દાહોદમાં જર્મનીની કંપની ઈલેક્ટ્રિક એન્જિન બનાવશેઃ 9000 HPનું પહેલું એન્જિન બનશે

Wednesday 25th January 2023 06:04 EST
 
 

દાહોદઃ દાહોદ શહેરના રેલવે કારખાનામાં 9000 હોર્સ પાવરનું પહેલું ઇલેક્ટ્રિક એન્જિન 2024ના અંતમાં બનીને તૈયાર થયા બાદ તે પાટે દોડતું થશે. 9000 હોર્સ પાવરનું આ એન્જિન દેશના સૌથી શક્તિશાળી રેલવે એન્જિનો પૈકી એક હશે. જર્મનીની કંપની સિમેન્સ ઇન્ડિયા દ્વારા તેનું નિર્માણ કરવામાં આવશે. 16 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં સિમેન્સના જર્મનીના સીઇઓ માઇકલ પીટર, ભારતના એમ.ડી-સીઇઓ સુનિલ માથુર, રેલવેના ચેરમેન-સીઇઓ અનિલકુમાર લાહોટી, રેલવે બોર્ડના મેમ્બર્સ અને દાહોદના CWM વિનયકુમારની હાજરીમાં એગ્રીમેન્ટ કરાયું.
એન્જિન નિર્માણ માટે દાહોદમાં કારખાનાના અપગ્રેડેશનનું કામ પણ પુરગતિમાં ચાલી રહ્યું છે. જુન-જુલાઇ સુધી એસેમ્બલી યુનિટ નાખીને એન્જિનનું નિર્માણ કામ શરૂ કરી દેવામાં આવશે. 26 હજાર કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટની શરત મુજબ કંપની આગામી 11 વર્ષમાં આવા 1200 એન્જિન બનાવીને રેલવેને આપશે. 20 એપ્રિલ 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદમાં આ ઇલેક્ટ્રીક લોકોમોટિવ વર્કશોપનું ખાતમૂહૂર્ત કર્યુ હતું. ત્યાર બાદ સર્વે અને ટેન્ડરીંગ કરાયું હતુ. 16 જાન્યુઆરીએ તેની ઉપર ફાઇનલ મંજુરીની મહોર લાગી ગઇ હતી.
1931માં બનેલા દાહોદ વર્કશોપનું છેલ્લે 2018માં 90 કરોડ રૂપિયાના ખર્ચે અપડેશન કરવામાં આવ્યુ હતું. વધુ પડતો ઉપયોગ માલગાડીમાં કરવા માટે 9000 હોર્સ પાવરના આ એન્જિનનું નિર્માણ કરાવાઇ રહ્યુ છે. માલ પરિવહનને બેગણું કરવાનું રેલવેનું લક્ષ છે. સીમેન્સ દ્વારા ડિઝાઇન કરાયેલા લોકોમોટિવની ટોપ સ્પીડ 120 કિમી પ્રતિ કલાક રહેશે. એક વખતમાં તે 5000 ટન ગુડ્સની લોડિંગ કરી શકાશે. એક અંદાજ મુજબ 5000 ટન માલ 19 કલાકમાં દિલ્હીથી મુંબઇ પહોંચી જશે.


comments powered by Disqus