સૂઈગામઃ ગુજરાતની સમૃદ્ધિના દ્વાર ખોલનારી બહુહેતુક નર્મદા યોજના બનાસકાંઠા જિલ્લા માટે રણમાં મીઠી વીરડીસમાન સાબિત થઈ છે. બનાસકાંઠા જિલ્લો કચ્છના રણને અડીને આવેલો જિલ્લો છે. આ જિલ્લાના ઘણાં ગામડાઓ પાકિસ્તાનની સરહદ નજીક આવેલાં છે. આવા ગામોમાં સૂઈગામ અને વાવ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. આજે આપણે એક એવા જ વાવ તાલુકાના લોદ્રાણી ગામની વાત કરવી છે. વાવ તાલુકાનું લોદ્રાણી ગામ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 32 કિ.મી.ના અંતરે આવેલું છે. આ વિસ્તારની જમીનમાં ખારાશનું પ્રમાણ વધારે હોવાથી ભૂજળ ખારું છે. આ ગામની મુલાકાત લેતાં કચ્છના સફેદ રણમાં ફરતા હોય એવો અહેસાસ થાય છે. આ ગામની આશરે કુલ બે હજાર જેટલી વસ્તી ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે પોતાનો જીવનનિર્વાહ કરે છે.
સિંચાઈની સમસ્યાઓનો કાયમી અંત
વાવ તાલુકાના લોદ્રાણી ગામમાં નર્મદાના નીર પહોંચવાથી પીવાના પાણીની સાથે સાથે સિંચાઈની સમસ્યાઓનો કાયમી અંત આવશે. લોદ્રાણીના ગ્રામજનોએ જણાવ્યું કે, આઠ-દસ વર્ષ પહેલાં ગામમાં નહેર તો આવી હતી, પરંતુ છેવાડાનું ગામ હોવાથી અહીં સુધી પાણી પહોંચતું નહોતું. અહીં તો પીવાનાં પાણીના પણ ફાંફાં હતા, પરંતુ પ્રધાનમંત્રી મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે અમારી ચિંતા કરી અહીં સુધી નર્મદાનું પાણી પહોંચાડ્યું છે, જેનાથી પીવાનાં અને સિંચાઈના પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે.
પાણી પહોંચતા લોકોની આવકમાં નોંધપાત્ર વધારો
માલધારી સમાજે જણાવ્યું કે, લોદ્રાણીની 3 હજારથી વધુ ગાયોને ચરાવવાનું કામ કરું છું, સરકારે અમારા ગામમાં નર્મદાના નીર પહોંચાડી ખૂબ મોટું સેવાકાર્ય કર્યું છે. નર્મદાનાં પવિત્ર નીરથી જિલ્લાનો પશ્ચિમ વિસ્તાર કે જે અગાઉ સૂકો અને રણ વિસ્તાર ગણાતો હતો, તે હવે હરિયાળો અને સમૃદ્ધ બન્યો છે. તે સાથે લોકોની આવક અને સુખાકારીમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.
આથમણી તળાવને નર્મદાના નીરથી ભરવામાં આવ્યું
ચાલુ રવી સિઝનમાં લોદ્રાણી માઇનોર-2ની કુલ લંબાઈ 6.45 કિ.મી. પર આવેલા આથમણી નામના તળાવને પણ નર્મદાનાં નીરથી ભરવામાં આવ્યું છે. આ તળાવ ભરવાના કારણે લોદ્રાણી સહિત આજુબાજુની ખેતીલાયક જમીનમાં પિયતનો લાભ થયો છે. તેમજ મોટા પ્રમાણમાં પશુ-પક્ષીઓને પીવાનું પાણી ઉપલબ્ધ થતાં સાચા અર્થમાં નમામી દેવી નર્મદેનો હેતુ સિદ્ધ થયો છે.

