રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 57મા પદવીદાન સમારોહમાં રાજ્ય શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે વિશેષ હાજરી આપી હતી. મીડિયાને સંબોધતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયેલા પેપર લીક મામલે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જ નહીં, પરંતુ ગુજરાતમાં કોઈપણ જગ્યાએ પેપરલીક જેવી ઘટના સાંખી નહીં લેવાય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ પેપર લીક મામલે કોઈને છોડવામાં નહીં આવે.
ઋષિકેશ પટેલે કડક શબ્દોમાં ઉમેર્યું હતું કે, પેપરલીક કાંડમાં કોઈ નહીં બચે અને જરૂર જણાયે પોલીસ ફરિયાદ કરી કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. અગાઉ થયેલા પેપરલીક કાંડ મુદ્દે ઋષિકેશ પટેલે કહ્યું કે, ‘તપાસ ચાલુ છે.’ જો કે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તેનો કોઈ નિશ્ચિત જવાબ આપ્યો ન હતો.
શું છે સમગ્ર મામલો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચાલુ પરીક્ષામાં BBA સેમેસ્ટર-5 અને B.com સેમેસ્ટર-5ની 13 ઓક્ટોબરે લેવામાં આવેલી પરીક્ષાનું પેપર આગલા દિવસે એટલે કે 12 તારીખે જ લીક થઈ જતાં રાતોરાત BBAનું નવું પેપર સેટ કરી પરીક્ષા લેવામાં આવી, જ્યારે B.comની પરીક્ષા રદ કરી ફરીથી લેવા નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે આ દરમિયાન મોડી રાત્રે જ યુનિવર્સિટી દ્વારા ભક્તિનગર પોલીસ ખાતે અરજી આપી અને બપોરે પોલીસ કમિશનરે રૂબરૂમાં કુલપતિ તેમજ પરીક્ષા નિયામકની મુલાકાત કરી હતી. આ સમયે ફરિયાદ નોંધી કડક કાર્યવાહીની વાતો કરવામાં આવી હતી, પરંતુ આજ સુધી પોલીસ ફરિયાદ થવા પામી નથી કે ન તો કોઈની સંડોવણી સામે આવી છે.
5મી વખત પેપર લીક થવાની ઘટના બની
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014થી આજ દિવસ સુધી પાંચ વાર પેપર લીક થવાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત અનેક કૌભાંડો પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સામે આવ્યાં છે. ત્યારે દર વખતે વિવાદોમાં સપડાયા બાદ સત્તાધીશો કડક કાર્યવાહી કરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરી કોઈને છોડીશું નહીં, આકરી સજા કરીશુંનાં માત્ર નિવેદનો જ મીડિયા સમક્ષ આપતા રહ્યા છે. ત્યારે આ વર્ષે એકહથ્થુ શાસન ચલાવતા ગિરીશ ભીમાણી યુનિવર્સિટીની છબી ખરડવા પ્રયાસ કરનારા સામે લાલ આંખ કરશે કે પછી ‘તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ’ સમાન સ્થિતિનું નિર્માણ થશે એ જોવું મહત્ત્વનું રહેશે.

