ફાયરસેફ્ટીના અભાવે ભુજની 105 ઇમારતોને નોટિસ

Wednesday 25th January 2023 05:26 EST
 
 

ભુજઃ કચ્છના જિલ્લા મથક ભુજમાં અનેક બહુમાળી ઇમારતોમાં ફાયર સેફટીનાં કોઈ જ સાધન લગાવવામાં આવ્યાં નથી. આ અંગેની ગંભીર નોંધ લઈ સુધરાઈ હસ્તેના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી વિનાની 105 ઇમારતોને નોટિસ પાઠવી હતી. તે પૈકી 7 ઈમારતને સીલ મારી ફાયર સેફ્ટીનાં સાધન વિકસાવવા તાકીદ કરાઈ હતી.
આ વિશે ભુજ નગરપાલિકા હસ્તકના ફાયર વિભાગના ફાયર ઓફિસર સચિન પરમારે જણાવ્યું હતું કે, માનવ વસ્તી ધરાવતી શહેરની વિવિધ બહુમાળી ઇમારતોને આ પૂર્વે અનેક વખત ફાયર સેફ્ટીના અભાવે નોટિસ પાઠવાઈ હતી, તેમ છતાં તપાસ કામગીરી દરમિયાન ઇમારતોમાં સલામતીનાં કોઈ જ સાધન લગાવવામાં ન આવતાં તેનો રિપોર્ટ રાજકોટ વડીકચેરી ખાતે કરાયો હતો. જેના ભાગરૂપે રાજકોટ રિઝનલ ફાયર ઓફિસરના આદેશ અનુસાર 107 ઇમારતો પૈકી 7ને સીલ મારવામાં આવ્યાં હતાં, જ્યારે આઇયા, માનસ એપાર્ટમેન્ટ સહિતની ઇમારતોના રહીશોને ફરી નોટિસ આપી ફાયર સિસ્ટમ ઊભી કરવા તાકીદ કરાઈ હતી. જો સલામતીના સાધનો વિકસાવવામાં ન આવે તો આવી ઇમારતોને સીલ મારવાની ફરજ પડશે.


comments powered by Disqus