બોગસ બિલિંગની તપાસમાં 11 પેઢી પર તવાઈ

Wednesday 25th January 2023 06:04 EST
 
 

બોગસ બિલિંગ કરનારાઓ પર સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. જેમાં 14 પેઢીની તપાસમાં 11 પેઢી બોગસ નીકળી હતી. આ 11 પેઢી દ્વારા રૂ. 99 કરોડનું ટ્રાન્ઝેક્શન કરીને રૂ. 14.79 કરોડની ક્રેડિટ પાસઓન કરવામાં આવી હતી. નોંધનીય છે કે ઉત્તરાયણ પહેલાંના દરોડામાં કુલ હજાર કરોડના બોગસ ટ્રાન્ઝેક્શન શોધી કઢાયાં હતાં. સ્ટેટ જીએસટીના ચીફ કમિશનર મિલિન્દ તોરવણે દ્વારા સમગ્ર રાજ્યમાંથી બોગસ બિલિંગના સફાયા માટે એક મહિના સુધી ચાલનારું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અડધો તબક્કો પૂરો થયો છે.

પાંચ પેઢીઓમાં ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો
આજે વધુ 14 પેઢીઓમાં સ્થળ તપાસ દરમિયાન જે ડોક્યુમેન્ટ ચેક કરાયા હતા, તેમાં છ પેઢીમાં ડોક્યુમેન્ટ બોગસ હતા. જ્યારે પાંચ પેઢીમાં ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાયું હતું. આ દરોડામાં કુલ 11 જણા મળી આવ્યા નહોતા, જેની શોધખોળ ચાલી રહી છે.

ઉત્તરાયણ પહેલાના દરોડામાં કુલ હજાર કરોડના બોગસ ટ્રાન્ઝેક્શન
બોગસ પેઢી ઊભી કરવામાં આ લોકોની જ મહત્ત્વની ભૂમિકા હોવાનું ડિપાર્ટમેન્ટ માની રહ્યો છે. સુરતમાં એન્ફોર્સમેન્ટ વિંગનાં વડાં મૌસમી દવેની દેખરેખ હેઠળ સ્થળ તપાસ કરવામાં આવી હતી. ઓપરેશનમાં અધિકારીઓ માટે ક્રેડિટની રિકવરી સૌથી મોટો પડકાર બની રહેશે.

મુખ્ય બેનિફિટ લેનારાઓ સુધી પહોંચવું જરૂરી
સમગ્ર કેસમાં બોગસ બિલિંગ કરનારાઓ તો અમુક ટકા લઈને બિલ આપતા હોય છે, પરંતુ તેનો લાભ લેનારા મુખ્ય લોકો છે. તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો જ બોગસ બિલિંગ કૌભાંડ સામેનું આ સફાઈ અભિયાન સફળ થશે.


comments powered by Disqus