સોમનાથ- વેરાવળઃ જગવિખ્યાત સોમનાથ મહાદેવને ભક્તો હવેથી પાઘ ચડાવી શકે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પાઘ પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પૂજામાં મહાદેવને પ્રથમ પાઘ સોમનાથ મંદિરના અધિકારી અને કર્મચારીઓએ પૂજન કરી મંદિર પરિસરમાં વાજતે ગાજતે પાલખીયાત્રા કાઢીને ચડાવી હતી. આ પાઘ પૂજા ચડાવવા ઈચ્છતા ભાવિકોએ ત્રણ દિવસ અગાઉ સોમનાથ ટ્રસ્ટમાં નોંધણી કરાવવી પડશે. જેથી ટ્રસ્ટ દ્વારા પાઘ તૈયાર કરાવડાવીને ભાવિકના હસ્તે પુજાવીધી કરાવ્યા બાદ મહાદેવના શણગારમાં પાઘનો ઉપયોગ કરવામાં આવશે. ભાવિકો માટે શરૂ કરવામાં આવેલા પાઘ પૂજા અંગે ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું છે કે, હવેથી શિવભકતો સોમનાથ મહાદેવને વિધિવત પુજન સાથે પાઘ અર્પણ કરીને યશ સાથે કીર્તિ વધારનાર પાઘ સમર્પણ પૂજાનો લાભ લઈ શકે તે માટે પાધ પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પૂજા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સાડી અને ધોતીના કાપડમાંથી પાઘ તૈયાર કરાવી ભાવિકોને આપશે. જે પાઘનું મંદિરમાં પૂજારીઓ દ્વારા ભક્તોના હસ્તે પૂજન કરાવ્યા બાદ મહાદેવને અર્પણ કરાશે.
ત્યારપછી પાઘનોસોમનાથ મહાદેવના દરરોજ કરવામાં આવતા શણગારમાં ઉપયોગ કરાશે. મહાદેવને શણગારમાં અર્પણ કરવામાં આવેલા પાઘના વસ્ત્રો માત્ર વસ્ત્ર ન રહીને મહાદેવનો કૃપાપ્રસાદ બની જઈ આશીર્વાદ રૂપી પોતાની પાસે રાખવા માટે ભાવિકો પાઘ બનાવવામાં ઉપયોગ કરાયેલા વસ્ત્રોને વસ્ત્ર પ્રસાદ રૂપે મેળવી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ પાઘ પૂજાનો લાભ લેવા ઈચ્છતા ભાવિકોએ 11 હજાર રૂપિયા ભરીને ત્રણ દિવસ અગાઉ સોમનાથ મંદિર ટ્રસ્ટમાં નોંધાવવું પડશે અથવા ટ્રસ્ટની વેબસાઈટ ઉપર ઓનલાઈન પુજા વિધી તરીકે નોંધાવી શકશે.
બિલ્વપત્ર ચડાવવાનું પુણ્ય હવે પ્રત્યેકને મળશે
સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિવરાત્રીના પાવન પર્વ પર ભક્તો માટે ‘બિલ્વપૂજા સેવા’ લોન્ચ કરાઇ છે. જેમાં માત્ર 21 રૂપિયા સાથે ભક્ત તરફથી મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરાશે, આ અદભૂત બિલ્વ પૂજામાં ભાગ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની અધિકારીક વેબસાઇટ – somnath.org પર જઇને પૂજા નોંધાવી શકો છો. અથવા નવી શરૂ કરાયેલ મિસ કોલ સુવિધામાં નંબર 080-69079921 પર મીસકોલ કરીને રજીસ્ટ્રેશનથી પૂજા નોંધાવી શકાશે.

