ગાંધીનગરઃ રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષથી એમબીબીએસ અભ્યાસક્રમ પણ ગુજરાતીમાં ભણાવાશે અને કોર્સનાં પુસ્તકો પણ ગુજરાતીમાં ઉપલબ્ધ થશે એવું સરકારી પ્રવક્તા-મંત્રી ઋષિકેશ પટેલે મંત્રીમંડળની બેઠક બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું.
તેમણે કહ્યું કે, આ વર્ષથી એમબીબીએસના પહેલાં વર્ષનો અભ્યાસક્રમ ગુજરાતીમાં રહેશે અને પાઠ્યપુસ્તકો પણ ગુજરાતીમાં ઉપલબ્ધ થશે. ત્યારબાદ ક્રમશઃ અન્ય વર્ષોનો અભ્યાસક્રમ તથા પુસ્તકો ગુજરાતીમાં કરાશે. એક પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ એવું જણાવ્યું હતું કે, અંગ્રેજી ભાષાનો વિકલ્પ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. દરમિયાન MBBS અભ્યાસક્રમ સાથે સંકળાયેલા તજજ્ઞના જણાવ્યા પ્રમાણે એમબીબીએસ અભ્યાસક્રમ અને પુસ્તકો ગુજરાતીમાં તૈયાર કરવા માટે વિવિધ મેડિકલ કોલેજના ડીન, નર્સિંગ-ફિઝિયોથેરપી કોલેજના પ્રિન્સિપાલ તેમજ નિષ્ણાત તબીબોને સાંકળીને 15 સભ્યોની એક ટીમ બનાવાઈ છે, જેની એક મિટિંગ અત્યાર સુધી થઈ છે, સાથોસાથ ટેક્સ્ટ બુક તૈયાર કરવા પણ નામાંકિત તબીબ શિક્ષકોનું અલગ ગ્રૂપ બનાવવામાં આવ્યું છે, જે અભ્યાસક્રમને ગુજરાતીમાં અનુવાદ કરશે.

