સુરતમાં દિલ્હી જેવી ઘટનાઃ કારમાં ફસાયેલા યુવકનું 12 કિમી ઢસળાતાં મોત

Wednesday 25th January 2023 06:04 EST
 
 

સુરતઃ દિલ્હીમાં તાજેતરમાં જ એક યુવતીને ઢસેડીને તેની હત્યા કરવાની ઘટના ભુલાઈ નથી, એવામાં સુરતમાં આ પ્રકારની ઘટના બની છે. જેમાં બાઈકને ટક્કર મારી કારે 12 કિ.મી. સુધી યુવકને ઢસડતાં તેનું મોત નીપજ્યું છે. સુરતના સારોલી નજીકથી પોલીસે કાર કબજે કરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના લિંબાયત નીલગીરી સર્કલ પાસે રહેતા 24 વર્ષીય સાગર પાટીલ અને તેમની પત્ની અશ્વિની પાટીલ બાઇક પર બગુમરા ગામેથી સુરત ઘરે જઈ રહ્યાં હતાં. આ દરમિયાન 18 જાન્યુઆરીએ રાત્રે 10 વાગ્યે પલસાણા તાલુકાના તાંતિથૈયા ગામની સીમમાં કારચાલકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત બાદ સાગર પાટીલનાં પત્ની રોડ પર પડી ગયાં હતાં, જ્યારે સાગર પાટીલ કારની બોડીમાં ફસાઈ ગયા હતા. હિટ એન્ડ રન કરનારા કારચાલકે અંદાજે 12 કિ.મી. સુધી સાગર પાટીલને ઢસડતાં તેમનું તેનું મોત થયું હતું. ઘટના બન્યા બાદ મૃતક સાગર પાટીલની પત્ની અશ્વિની પાટીલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાં હતાં.
આ ઘટનાના બે દિવસ બાદ સાગર પાટીલનો ભયાવહ સ્થિતિમાં અકસ્માત સ્થળથી 12 કિલોમીટર દૂરથી મૃતદેહ મળી આવ્યો હતો. એક યુવક દ્વારા લેવામાં આવેલા વીડિયોના આધારે પોલીસે કાર કબજે કરી આરોપીને ઝડપવાની કાર્યવાહી હાથ ધરી છે.


comments powered by Disqus