પ્રયાગરાજઃ માફિયા અતીક અહેમદ અને અશરફે લખનઉથી લઈને પ્રયાગરાજ અને અન્ય અનેક સ્થળે જમીનો પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો. આ જમીન સામાન્ય રકમ આપીને અતીક અને અશરફ પોતાના નામે લખાવી લેતા હતા અને આપેલી રકમ તેના ખાતામાંથી ઉપડાવીને પરત લઈ લેતા હતા. હવે જ્યારે પ્રયાગરાજમાં અતીકના માફિયારાજનો અંત આવી ચૂક્યો છે, તેવા તબક્કે જેમની જમીન પચાવી પાડવામાં આવી હતી તેમની ફરિયાદ નોંધવામાં આવી રહી છે. ટૂંક સમયમાં યોગી આદિત્યનાથ તેમને જમીન પરત અપાવવા વિચાર કરી રહી છે.
હાલમાં યોગી સરકાર માફિયા દ્વારા પચાવવામાં આવેલી જમીન ચિન્હિત કરી પીડિતોને તે પરત આપવા વિચાર કરી રહી છે. અતીકની હત્યા બાદ આવા લોકો સામે આવવાની સંખ્યા વધી છે, જેમની જમીન પચાવી પાડવામાં આવી હોય, જેને લઈને અધિકારીઓ દ્વારા રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત સ્થાનિક તંત્ર દ્વારા અતીક અને તેના પરિવારની ગેરકાયદે સંપત્તિ પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશનાં અન્ય શહેરો અને જિલ્લામાં પણ તેની ગેરકાયદે સંપત્તિ શોધવામાં આવી રહી છે.

