ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકી એક અખા ભગતની જન્મજયંતી શનિવારે 22 એપ્રિલના રોજ ઊજવાઈ. અખા રહિયાદાસ સોનીનો જન્મ આશરે વર્ષ 1591નો અને મૃત્યુ આશરે 1656માં થયું હોવાનું માનવામાં આવે છે, એટલે કે તેઓ શરૂઆતના સાહિત્યકારો પૈકી એક છે. તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થયેલા ત્રણ મોટા સાહિત્યકારોમાં થાય છે. મૂળે જેતલપુરના અખા ભગતે અમદાવાદમાં આવી વસવાટ કર્યો હતો. આજે પણ ખાડિયાની દેસાઈની પોળનું એક મકાન અખાના ઓરડા તરીકે ઓળખાય છે, જ્યાં તેઓ સોનીનો વ્યવસાય કરતા હોવાનું કહેવાય છે.
સોનીના વ્યવસાય દરમિયાન તેમની ધરમની બહેન દ્વારા તેમનો વિશ્વાસઘાત કરવામાં આવતો તેમનો સમાજ પરથી વિશ્વાસ ઊઠી ગયો હતો. આ ઘટના બાદ તેમણે એક ગુરુનું સાંનિધ્ય સાધ્યું. જો કે બાદમાં જ્યારે અખા ભગતને ખ્યાલ આવ્યો કે તેમના ગુરુ પણ ઢોંગી છે, ત્યારે તેઓ માનવા લાગ્યા હતા કે સમગ્ર સમાજ ઢોંગ અને અસત્યથી ભરેલો છે. તેમનો આ અવિશ્વાસ તેમણે લખેલા છપ્પામાં જોઈ શકાય છે.
તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાક્યાં ચર્ણ, તોય ન પહોંચ્યા હરિને શર્ણ;
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
વ્યવસાયે સોની અખા રહિયાદાસ સોનીએ ગુજરાતી કવિતામાં પોતાની અનોખી ઓળખ ઊભી કરી છે. સમાજનાં કડવાં વેણ સાંભળીને માનવસંબંધો અને વ્યવહારોની વરવી વાસ્તવિકતાએ અખાની જીવનદૃષ્ટિ બદલી નાખી હતી. ભક્તિમાર્ગી કવિતાના ધસમસતા પ્રવાહ વચ્ચે અખાભગત જ્ઞાનમાર્ગનું વહેણ બનીને આવ્યા. એ ધર્મના વિરોધી નહોતા પણ ધર્મમાં પેઠેલા સડા અને આડંબર સામે એનો આક્રોશ હતો. અખાભગત આધ્યાત્મ્ય માર્ગના પ્રવાસી હતા અને ઉપનિષદોના ચિંતન-મનનથી એની પ્રજ્ઞા સમૃદ્ધ હતી. જે પરમતત્ત્વ અગોચર છે, અદૃશ્ય છે, એ ઝળહળ જ્યોતને અખાએ નિહાળી લીધી. આ અદ્વૈતનો મહિમા કરતા અખાભગત ધાર્મિક વિધિવિધાન અને પાખંડને કઈ રીતે સહન કરી શકે? આધ્યાત્મ ચિંતનના અટપટા વિષયને અવળવાણીમાં આલેખતા અખાભગત આથી જ સમાજ સામે લાલબત્તી ધરતી વખતે સ્પષ્ટપણે ગાય છે. અહીં એની વાણી સીધી રીતે કટાક્ષ છે, જો કે આ વાણીમાં કટુતા નથી. અખાની આવી રચનાઓ અખાના છપ્પા નામે ઓળખાય છે. આ કાવ્યપ્રકારમાં પંક્તિઓનો એક સમૂહ રચાય છે, જેમાં એક વિચારને એ અભિવ્યક્ત કરે છે. આજે એ આપણી વાતચીતમાં સહજ અભિવ્યક્તિ રૂપે આવે છે.

