એનઆરઆઇ મહિલાએ પતિની યાદમાં તેમની 108 વર્ષ જૂની શાળાનું નવીનીકરણ કરાવ્યું

Wednesday 26th April 2023 05:17 EDT
 
 

પોરબંદરઃ પરિવારના કોઈ સભ્યનું દેહાંત થાય ત્યારે તેની પાછળ ધાર્મિક કાર્યો કરવામાં આવે છે, પરંતુ સમાજને ધાર્મિક કાર્યો જેટલી જ શિક્ષણકાર્યની જરૂરિયાત હોય તે વાતને સમજી યુ.કે.માં રહેતી NRI મહિલાએ પોતાના સ્વર્ગસ્થ પતિના સ્મરણાર્થે અનોખો શિક્ષણયજ્ઞ કર્યો છે.
પોરબંદરથી 30 કિ.મી.ના અંતરે આવેલ શીશલી ગામ માંડ બે કે અઢી હજારની વસતી ધરાવે છે. આ ગામમાં અંદાજિત 108 વર્ષ પહેલાં બનાવેલી એકમાત્ર સરકારી પ્રાથમિક શાળા આવેલી છે, જેને લીધે આ શાળાનું બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત થઈ ગયું હતું. ગામની એકમાત્ર શાળા હોવાથી નાછૂટકે બાળકો અહીં અભ્યાસ કરતાં હતાં. ભુલકાંઓની આ વેદના શીશલીથી હજારો કિલોમીટર દૂર યુકેમાં રહેતા સ્વર્ગસ્થ અરભમભાઈ પરબતભાઈ મોઢવાડિયાની પત્ની માકીબહેનના હૃદય સુધી પહોંચતાં તેમને એક અનોખા શિક્ષણયજ્ઞનો વિચાર આવ્યો હતો. અરભમભાઈ વર્ષો પહેલાં શીશલીની આ જ શાળામાં ભણ્યા હતા અને તેમના મૃત્યુ પછી તેમના સ્મરણાર્થે કશું કરવાનો વિચાર માકીબહેનના મનમાં આવ્યા કરતો હતો, તેથી જ માકીબહેને પોતાના પતિના સ્મરણાર્થે રૂ. 1 કરોડ ખર્ચી આ સરકારી શાળાના ભવનનું નવીનીકરણ કરાવી મેટ્રો સિટીની શાળાને પણ ટક્કર મારે તેવી શાળા બનાવી છે.


comments powered by Disqus