કેરા (તા. ભુજ): અડાયું, કણાયું. નગારું ને તગારું સ્વામિનારાયણ સંપ્રદાયની આગવી ઓળખ છે. શાકોત્સવ, ઘેલોત્સવ, ફળોત્સવ પરંપરા છે. ભજન સાથે ભોજનની સંસ્કૃતિ છે. સ્વામિનારાયણ મંદિર દ્વારા હાલ ચાલી રહેલા નરનારાયણદેવ મહોત્સવમાં ‘કીર્તન મધમીઠો, શેરડી, લાલચટક તરબૂચ-ટેટીનો પ્રસાદ હરિ ઘરે આવોને...’ ભાવ ચરિતાર્થ થયો છે અને ભક્તો લાખો ફળોના મધમીઠા પ્રસાદનો રસથાળ જમ્યા હતા.
વાત છે રામપર વેકરાના હાલે લંડનના કિંગ્સબરી રોડ સ્થિત શાકભાજી-ફળોના વેપારી હીરજીભાઈ હીરાણી, લક્ષ્મણભાઈ બંધુઓની. જ્યાં જ્યાં ઉત્સવ સામૈયાં હોય હીરજીભાઈની શેરડીના ભગવાનના પ્રસાદરૂપે ફળફળાદિના થાળ હોય જ. પાંચ મહિના પહેલાં માધાપરમાં શેરડી અને કનકપર (અબડાસા)માં તરબૂચ, સક્કરટેટી વાવી હતી. ખાસ આ મહોત્સવ માટે પાંચ મહિનામાં બે વાર કચ્છ આવી ઉછેરની માવજત લીધી, જેનાં ફળ હાલ લાખો લોકો લઈ રહ્યા છે.
કાળઝાળ ગરમીમાં આંતરડી ઠારતા આ ફળની સેવા અવિરત છે. હીરજીભાઈએ કહ્યું કે, હાલ દૈનિક 30-30 ટન શેરડી અને તરબૂચ, જ્યારે છ ટન સક્કરટેટીની ખપત છે. મહોત્સવ સ્થળ પર પ્રદર્શનની સામેની બાજુ તેનો ભંડારો છે. મહોત્સવના નવ દિવસની ગણતરીએ 3 લાખ કિલો તરબૂચ, 2.70 લાખ શેરડી રસ, એક લાખ કિલો સક્કરટેટી અહીંથી ખવાશે. કચ્છી લેઉવા પટેલ સમાજના રામપર ગામનાં 300 મહિલાઓ, 150 યુવકો દિવસ - રાત સેવારત્ છે. રેખાબેન કહે છે, અમારે મન ભક્તોને અને મુલાકાતીઓને જમાડવા એ જ મહોત્સવ છે. કચ્છી લેઉવા પટેલના મોભી ગોપાલભાઈ ગોરસિયાનું કહેવું છે કે, હીરજીભાઈએ હૃદયની ભાવનાથી સેવા કરી છે. આવો જ ભાવ કેશરાભાઈ પીંડોરિયા, વિલ્સડન મંદિર પ્રમુખ કુંવરજીભાઈ કેરાઈ, ટ્રસ્ટી કુંવરજીભાઈ વેકરિયાનો છે. શેરડી જેની વાડીથી આવે છે તેવા માધાપરના માવજી લાલજી ભુડિયા, યુ.કે. કોમ્યુનિટીના શશિકાંતભાઈ વેકરિયા, કંપાલાના રાજેશ હીરાણીએ સેવાને વધાવી હતી. મંદિર વતી આ ફળરસની જવાબદારી સંભાળતા યુવા સંત સદ્ગુણદાસજી સ્વામી, કે.પી. સ્વામી સહિતના સંતોએ પણ કે.કે. પટેલ હોસ્પિટલના દાતા હીરજીભાઈની ભાવનાને સાર્થક ગણાવી હતી.
કચ્છના ખેડૂતો કમાય તેવી ભાવના
કિંગ્સબરી ફ્રૂટ એન્ડ વેજના માલિક હીરજીભાઈ વાલજીભાઈ હીરાણીની ભાવના છે કે, મારા કચ્છના ધરતીપુત્રો કમાય એટલે એમણે માધાપરના ખેડૂત પાસેથી શેરડીનો પાક વવડાવ્યો. કનકપરના કિસાનો પાસે તરબૂચ અને સક્કરટેટી વવડાવી વેપારી મટી સેવાભાવીના રૂપમાં
સામે આવ્યા છે. આખો દિવસ તાજાં-મીઠાં ફળના છકડા ભરાઈને આવે છે અને ઠંડાં પાણીમાં બોળી રખાય છે.

