કોમી એકતાઃ હિન્દુ, મુસ્લિમ, શીખોએ પૂંચના શહીદો માટે પ્રાર્થના કરી

Wednesday 26th April 2023 07:10 EDT
 
 

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પૂંચમાં ઇફ્તારી માટે સામાન લઇને જઇ રહેલા સૈન્યના એક વાહન પર આતંકીઓએ હુમલો કર્યો હતો, જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા. શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે પૂંચના મુસ્લિમો દ્વારા વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉ આ જ વિસ્તારના મુસ્લિમોએ જવાનોની શહાદતના દુ:ખમાં ઇદની ઉજવણી કરવાનું ટાળ્યું હતું.
શહીદો માટે પ્રાર્થનાનું આયોજન પૂંચના સંગિઓટે ગામમાં રાખવામાં આવ્યું હતું, મુસ્લિમ બહુમત વાળા આ ગામમાં મોટા ભાગના લોકોના પરિવારજનો સૈન્યમાં જોડાયેલા છે. જે ટ્રક પર આતંકીઓએ હુમલો કર્યો હતો તેમાં ઇફ્તારી માટે જે સામાન હતો તે આ જ ગામના લોકો માટે લઇ જવામાં આવી રહ્યો હતો. આ હુમલામાં પાંચ જવાનો શહીદ થયા હતા, જેમને ગામના લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને મુસ્લિમોએ ખાસ પ્રાર્થનાનું આયોજન કર્યું હતું. જેમાં હિન્દુઓ અને શીખો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સમગ્ર હુમલામાં શહીદ જવાનોના મામલાની તપાસ કરી રહેલી પોલીસે 40 લોકોની અટકાયત કરી છે.
બીજી તરફ એનઆઇએ દ્વારા હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદીનના બે પુત્રોની સંપત્તિને જપ્ત કરી લેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર એનઆઇએએ સોમવારે જમ્મુ કાશ્મીરમાં સૈયદ સલાહુદ્દીનના પુત્રો શાહિદ યુસુફ અને સૈયદ અહમદ શકીલની સંપત્તિને જપ્ત કરી લીધી છે. આ સંપત્તિ જમ્મુ કાશ્મીરના બડગામમાં અને નર્સિંગ ગઢ જિલ્લામાં સોઇબુગ તાલુકામાં આવેલી છે.
હાલ સલાહુદ્દીનના આ બંને પુત્રો તિહાર જેલમાં છે. બંનેની ધરપકડ વર્ષ 2017 અને 2018માં કરવામાં આવી હતી.


comments powered by Disqus