અમદાવાદઃ 22 એપ્રિલે શનિવારે એટલે કે અખાત્રીજના વણજોયા મૂહુર્તના દિવસે જમીન, મકાન, વાહન, પ્રોપર્ટી, સોનું, ચાંદી, ઝવેરાત, દાગીના ખરીદવાનું ખૂબ મહત્ત્વ હોય છે. સોનાની કિંમત છેલ્લા દોઢ મહિનાથી રૂ. 60 હજારથી વધુ છે, જેની અસર તેની ખરીદીમાં પણ જોવા મળી હતી. અખાત્રીજે ગુજરાતમાં અંદાજે 800 કિ.ગ્રા. સોનાનું વેચાણ થયું હતું, જે જ્વેલર્સની અપેક્ષા કરતાં ઘણું ઓછું છે.
અક્ષય તૃતિયાના પાવન પર્વમાં હિન્દુ પરંપરા મુજબ દાગીના ખરીદવાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. અખાત્રીજ સાથે લગ્નસરાનો પણ પ્રારંભ થતો હોય છે. અલબત્ત આ વખતે ગુરુ અસ્તનો હોવાથી અખાત્રીજ છતાં લગ્ન માટે એકપણ મુહૂર્ત નહોતું. બીજી મેથી શરૂ થતી લગ્નની સિઝન માટે લોકોએ ઘરેણાંની પુષ્કળ પ્રમાણમાં ખરીદી કરી હતી. અમદાવાદમાં 270 કિલો, સુરતમાં 300 કિલો, રાજકોટમાં 100 કિલો, વડોદરામાં 130 કિલો સોનું વેચાયું હોવાનો અંદાજ લગાવાયો છે. અનેક લોકોએ શુકન પૂરતી સોના - ચાંદીની ખરીદી કરી હતી, જેમાં સોનાના સિક્કા, વીંટીનો સમાવેશ થાય છે.
અમદાવાદના એક વેપારીએ જણાવ્યું કે, ‘સોનાના ઊંચા ભાવ, અખાત્રીજના શુભ મુહૂર્ત અંગે મતમતાંતર જેવાં પરિબળોને કારણે અપેક્ષા કરતાં સોનાનું વેચાણ ઓછું રહ્યું છે. અમદાવાદમાં 25 થી 30 ટકા, ગુજરાતમાં 35 ટકા ખરીદી જોવા મળી હતી. દાગીનાની ખરીદી 10થી 12 ટકા હતી, જ્યારે બુલિયનમાં 18 થી 20 ટકા પ્રમાણ હતું. ગુજરાતમાંથી સોનાનું 7 ટન અને ચાંદીનું દોઢ ટન જેટલું વેચાણ થયું છે.

