ડમીકાંડ મામલે યુવરાજસિંહ જાડેજા સહિત 4ની ધરપકડ

Wednesday 26th April 2023 05:17 EDT
 
 

અમદાવાદઃ પરીક્ષામાં ગેરરીતિ આચરી અન્ય શખ્સ દ્વારા અપાતી પરીક્ષામાં મોટો ખુલાસો થયો છે. આ ડમીકાંડમાં અત્યાર સુધી સરકારી ભરતી અને પરીક્ષાઓમાં ગેરરીતિ માટે આંદોલન કરતા યુવરાજસિંહ જાડેજાની ભૂમિકા જણાતાં પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની પણ સુરતથી ધરપકડ કરવામાં આવી છે.
મહત્ત્વનું છે કે 21 એપ્રિલે યુવરાજસિંહની અટકાયત બાદ હાથ ધરાયેલી તપાસમાં કાનભા ગોહિલનું નામ પણ ખૂલ્યું હતું, જેથઈ ક્રાઇમબ્રાન્ચ અને ભાવનગર એસઓજી દ્વારા યુવરાજની સુરતથી ધરપકડ કરવામાં આવી હતી.
ભાવનગરમાં 21 એપ્રિલે ડમીકાંડને લઈ યુવરાજસિંહ અને કાનભાની ધરપકડ બાદ વધુ ધરપકડોનો દોર શરૂ થયો છે, જેમાં બે દિવસમાં જ 4 શખ્સની ધરપકડ કરાઈ હતી. યુવરાજ અને કાનભા બાદ બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાંધવાની પણ ધરપકડ કરાઈ છે.
યુવરાજસિંહને તેના નાણાકીય વ્યવહાર અંગે યોગ્ય જવાબ આપી શક્યા નહોતા. પોલીસ પાસે પ્રાપ્ત વિગતો અનુસાર યુવરાજસિંહ અને તેના નાણસોએ પ્રદીપ બારૈયા અને પ્રકાશ દવે નામની વ્યક્તિ પાસેથી રૂ. 1 કરોડ જેટલી રકમ જબરજસ્તી પડાવી લીધી છે, જેને અનુલક્ષીને યુવરાજસિંહ સહિત અન્ય 3 શખ્સોની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ઓલરાઉન્ડર તૈયાર કરવા લાખોનું રોકાણ
આતંકી પ્રવૃત્તિ, દેહ અને માનવઅંગના વેપાર માટે જે રીતે કૂમળીવયે બાળકોને લલચાવી, ફોસલાવીને તૈયાર કરાય છે, બરાબર તેવી જ મોડસ ઓપરેન્ડી હેઠળ ગરીબ વિદ્યાર્થીના શિક્ષણખર્ચને ઉપાડવા નામે ‘ઓલરાઉન્ડર ડમી’ તૈયાર કર્યાનો ઘટસ્ફોટ ભાવનગર પોલીસની તપાસમાં થયો છે. ડમીકાંડના મુખ્ય આરોપી અને 12 વર્ષથી સરકારી શાળામાં શિક્ષક એવા તળાજાના દિહોર ગામના શરદ ભાનુશંકર પનોતે સરતાનપરના 19 વર્ષીય મિલન બારૈયાને બરાબર આ જ રીતે તૈયાર કર્યો હતો.
પાંચ- છ વર્ષ પૂર્વે મિલન બારૈયા ધોરણ- 7માં ભણતો ત્યારે જ આ હોનહાર વિદ્યાર્થીમાં શિક્ષક શરદ પનોતે ભવિષ્યમાં સરકારી નોકરી અને બોર્ડ પરીક્ષા માટે ડમી ઉમદેવાર તૈયાર કરવાનો મનસુબો ઘડ્યો હતો. મિલન બારૈયાએ પોલીસ સમક્ષ કરેલી કેફિયત મુજબ શિક્ષક શરદ પનોતે હોશિયારી જોઈને ભણવાનો ખર્ચ ઉઠાવ્યો હતો. તે માટે સારી સ્કૂલમાં એડમિશન અપાવ્યું. ટ્યૂશન - કોચિંગની તમામ ફી પણ ભરી હતી. ધોરણ-12 આર્ટ્સ સ્ટ્રીમમાં ટોપ ગ્રેડમાં પાસ થયેલા મિલન પાસે બીજા ઉમેદવારોના ડમી તરીકે કુલ 7 જેટલી અલગ અલગ પરીક્ષા શિક્ષક શરદ પનોતે અપાવી હતી. એક રીતે મિલન બારૈયામાં પહેલા રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે.
ડમીકાંડ બાદ તળાજાનાં ગામોમાંથી લોકોની હિજરત
ડમીકાંડનો પર્દાફાશ થયા બાદ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનાં કેટલાંક ગામમાં સોપો પડી ગયો છે. ગ્રામ્ય વિસ્તારમાંથી અનેક લોકો ઘર બંધ કરી પોતાના પરિવારને લઈ હિજરત કરી ગયા છે. કેટલાંય એવાં ગામો છે જ્યાં એક જ ગામમાંથી બે-ત્રણ ડઝન લોકો સરકારી અમલદાર બન્યા છે. લોકોએ જણાવ્યું હતું કે, ‘સરકારની સિસ્ટમ નિષ્ફળ ગઈ છે.'
ડમીકાંડનો પર્દાફાશ થયા બાદ પોલીસે બે ડઝનથી વધુ લોકોને પૂછપરછ માટે બોલાવી રાખ્યા છે પણ શરદ પનોત, પ્રદીપ બારૈયા અને પી.કે. દવેની પૂછપરછ અને લેપટોપમાંથી મળેલા પુરાવાને આધારે પોલીસ 70થી વધુ લોકોને શોધી રહી છે.
પોલીસની તપાસ હેઠળનાં ગામોની મુલાકાત લેતાં તળાજા તાલુકાના તખતગઢનાં 18 મકાન, ઈસોરા નજીકના સરસરા ગામનાં 25 જેટલાં મકાન બંધ હતા. ગ્રામ્યજનોના જણાવ્યા મુજબ ઘણા બધા લોકો છેલ્લા ચાર-પાંચ દિવસમાં જ ઘર બંધ કરી પરિવાર સાથે અજાણ્યા સ્થળે ચાલ્યા ગયા છે. દેવગાણા ગામના 30થી વધુ લોકોને પોલીસ શોધી રહી છે પણ આ ગામમાં પણ અનેક મકાન બંધ છે. એટલુ જ નહીં ગામનું વાતાવરણ પણ જાણે કોઈ મોટો દુઃખદ પ્રસંગ બન્યો હોય તેમ શોકગ્રસ્ત જોવા મળ્યું હતું. આ જ રીતે દીહોર અને પીપરલા ગામમાં ડમીકાંડ કે કેટલા લોકો નોકરીએ લાગ્યા એ અંગે વાત કરવા જ કોઈ તૈયાર નથી.

ડમી પેપરકાંડઃ રૂ. 48 લાખ રિકવર કરાયા

ભાવનગરઃ બહુચર્ચિત ભાવનગરના ડમીકાંડ અંગે યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભા ગોહિલને પાંચ દિવસના રિમાન્ડ પર સોંપાયો. દરમિયાન યુવરાજના મળતિયા પાસેથી પોલીસે રૂ. 48 લાખ રિકવર કર્યા છે. આ રૂપિયા કાનભાના મિત્ર જિત માંડવિયા પાસેથી મળ્યા છે, જ્યારે બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવાએ એક કરોડના 10 ટકા લેખે મેળવેલા રૂ. પાંચ-પાંચ લાખ પણ રિકવર કરાયા છે.

7 વાર ડમી બનનારો મિલન ઝડપાયો

ભાવનગરઃ આરોપી મિલન ઘુઘાભાઈ બારૈયા સાત પરીક્ષામાં ડમી તરીકે બેઠો છે. ડમી તરીકે બેસવા બદલ મિલન બારૈયા એક પરીક્ષાદીઠ રૂ. 25 હજાર વસૂલતો હતો. મિલને જે 7 પરીક્ષા આપી તેમાં ઉમેદવાર દેવર્ષિ ફિલિપાઇન્સમાં મેડિકલનો અભ્યાસ કરે છે. ધોરણ-12ના ફિઝિક્સના પરીક્ષાર્થીના પિતા દશરથભાઈ શિક્ષક છે. તેમણે પ્રકાશ દવે દ્વારા મિલન બારૈયાનો કોન્ટેક્ટ કર્યો હતો 


comments powered by Disqus