નરોડા ગામ હત્યાકેસના તમામ આરોપી નિર્દોષ જાહેર

Wednesday 26th April 2023 05:18 EDT
 
 

અમદાવાદઃ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ સળગાવ્યા બાદ થયેલાં રમખાણો પૈકી એક છે નરોડા ગામ હત્યાકાંડ. આ હત્યાકાંડમાં 11 વ્યક્તિની સરેઆમ હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાકાંડમાં માયાબહેન કોડનાની, જયદીપ પટેલ સહિત 86 લોકો સામે કેસ નોંધાયો હતો. હત્યાકાંડનાં 21 વર્ષ બાદ અને 7 વર્ષ સ્પેશિયલ કોર્ટમાં કેસ ચાલ્યા બાદ 20 એપ્રિલે સ્પેશિયલ કોર્ટના જજ એસ. બક્ષીએ તમામ 86 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે.
86 લોકો વિરુદ્ધ કેસ હતો
આ કેસમાં પોલીસ દ્વારા કુલ 86 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓમાં પૂર્વ પ્રધાન અને ભાજપના નેતા માયાબહેન કોડનાની, બજરંગ દળના નેતા બાબુ બજરંગી, વિહિપના નેતા જયદીપ પટેલ પણ સામેલ હતા. કુલ 86 પૈકી 17 આરોપીનાં મોત થઈ ચૂક્યાં હતાં.
શું હતો કેસ ?
નરોડા ગામ હત્યાકાંડનો કેસ ગોધરાકાંડ પછીનાં 9 મુખ્ય રમખાણ કેસ પૈકી એક છે. ગોધરાકાંડ બાદ નરોડા ગામ ખાતે લઘુમતી સમાજના 11 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં કુલ 82 લોકો વિરુદ્ધ ટ્રાયલ ચલાવાઈ. ગુજરાત સરકારમાં ભાજપનાં પૂર્વ મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો.માયાબેન કોડનાની પણ આ કેસમાં આરોપી હતાં. 27 ફેબ્રુઆરીએ ગોધરાકાંડ બાદ બંધ દરમિયાન 28 ફેબ્રુઆરી 2002ના રોજ નરોડા પાટિયા પાસે આવેલા નરોડા ગામમાં 11 મુસ્લિમની હત્યા થઈ હતી.
નરોડા ગામમાં પોલીસનો બંદોબસ્ત
કેસના ચુકાદા બાદ નરોડા ગામમાં 70 જેટલા પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. જેમાં 1 PI, 4 PSI સહિત 70 પોલીસ જવાન નરોડા ગામમાં સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્યા છે. ગોધરાકાંડ બાદ વર્ષ 2002નાં રમખાણોમાં નરોડા ગામ હત્યાકાંડ મામલે સુપ્રીમ કોર્ટ રચિત ખાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SIT દ્વારા કોર્ટમાં કેસની અંતિમ દલીલો પૂર્ણ થઈ ચૂકી છે.


comments powered by Disqus