નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમામાં 10 લાખ ભક્તો જોડાયાઃ દુર્ઘટનામાં છનો બચાવ

Wednesday 26th April 2023 06:56 EDT
 
 

રાજપીપળાઃ નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમાનું અનેરું ધાર્મિક મહત્ત્વ છે. ચૈત્ર મહિનામાં નર્મદા જિલ્લામાં યોજાતી ઉત્તરવાહિની પરિક્રમા એક મહિનાથી ચાલી રહી હતી, જેમાં અંદાજિત 10 લાખ જેટલા લોકો પરિક્રમા પૂર્ણ કરી ચૂક્યા છે. માતા નર્મદાની પરિક્રમા માટે ગુજરાત સહિત આસપાસનાં રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનથી લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા, તો માતા નર્મદાની પરિક્રમાના હેતુથી વિદેશથી પણ ભક્તો આવ્યા હતા. પરિક્રમા પથ પર આવેલાં આશ્રમોએ અને સ્વયંસેવકોએ પરિક્રમા કરનારાની સેવા માટે તત્પરતા દાખવી હતી.
નર્મદા નદીમાં બોટ ડૂબતાં 6 વ્યક્તિને બચાવાઈ
નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા દરમિયાન રેંગણ ઘાટ પાસે નર્મદા નદીમાં હોડી ડૂબતાં સુરતના મોટા વરાછાના એક જ પરિવારની પાંચ મહિલાઓ અને એક પુરુષ ડૂબવા લાગ્યાં હતાં. જેઓનું એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હોડીમાં નદી પાર કરી રહેલા શ્રદ્ધાળુઓ પાસે લાઇફ સેવિંગ જેકેટ પણ ન હતાં.
એનડીઆરએફ દેવદૂત બની
નદીમાં ડૂબતાં શ્રદ્ધાળુઓએ બચાવવા માટે બૂમો પાડી હતી, જેથી પહેલેથી જ નદીમાં તહેનાત એનડીઆરએફની ટીમ બોટ અને લાઇફ સેવિંગ જેકેટ લઈને ડૂબી રહેલા શ્રદ્ધાળુઓ પાસે પહોંચી ગઈ હતી અને તમામને બચાવી લીધા હતા.


comments powered by Disqus