દમણઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 25 એપ્રિલે દાદરા નગર હવેલી અને દમણની મુલાકાત લીધી. તેમણે દમણની મુલાકાત દરમિયાન અનેક પરિયોજનાનું ખાતમુહૂર્ત કર્યું. એરપોર્ટથી મશાલ ચોક માર્ગ પર પ્રધાનમંત્રીને આવકારવા લોકોની ભારે ભીડ ઊમટી હતી, જેમણે મોદીનું દબદબાભેર સ્વાગત કર્યું હતું. દમણ ખાતે પ્રધાનમંત્રી મોદીએ સુદર સી ફેસ રોડ સહિત અંદાજે 4,800 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે.
દમણમાં લોકસભાને સંબોધતાં મોદીએ કહ્યું કે, હું જ્યારે અહીં આવું છું મન આનંદથી ભરાઈ જાય છે. આ ક્ષેત્રની મોટી વિશેષતા છે કે, પહેલા જેવું સેલવાસ હવે રહ્યું નથી. તેમણે કહ્યું કે, અહીં કેન્દ્ર સરકાર ખૂબ જ સારું કામ કરી રહી છે. ગત પાંચ વર્ષમાં સાડા પાંચ હજાર કરોડ જેટલાં વિકાસકાર્યોમાં ખર્ચ્યાં છે. આ કેન્દ્રશાસિત પ્રદેશ બીજા રાજ્યને પ્રોત્સાહિત કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, ખુશીની વાત એ છે કે આજે વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યાં છે, જેમાંથી કેટલાક વિકાસકાર્યોનાં ખાતમુર્હૂત પણ મારા હસ્તે જ થયાં હતાં. પહેલાં ખાતમુહૂર્ત તો થઈ જતાં પણ લોકોર્પણ થતાં નહોતાં અને તક્તી પણ શોધી મળતી નહોતી. વિકાસકાર્યો તો વર્ષોવર્ષ લટકતાં હતાં.
'સેલવાસ સ્વાસ્થ્ય સુવિધાને લઈ બહુ મજબૂત થવાનું'
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, આવનારા સમયમાં સેલવાસ અને આસપાસનો વિસ્તાર સ્વાસ્થ્ય સુવિધાને લઈ બહુ મજબૂત થવાનો છે, તેમજ હવે ગરીબ માતાનો દીકરો પણ ડોક્ટર બનવાનું સપનું સેવી શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, અમારી સરકારે દેશના 3 કરોડથી વધુ ગરીબ પરિવારને પાકું ઘર બનાવી આપ્યું છે. સેલવાસ પહોંચેલા પ્રધાનમંત્રી મોદીએ ત્યાં ભાજપના કાર્યકરો અને આગેવાનોને મળ્યા હતા, તેમજ તેમની પાસેથી વિસ્તારમાં થનારાં વિકાસકાર્યો અંગે ચર્ચા કરી હતી.

