અમદાવાદઃ અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સહિતના દેશોમાં જવા માગતા વિદ્યાર્થીઓે માટે એજ્યુકેશન ટેસ્ટિંગ સર્વિસ (ઈટીએસ)એ ટોફેલનાં સાત નવાં પરીક્ષા કેન્દ્ર શરૂ કરવાની જાહેરાત કરી છે. નવાં પરીક્ષા કેન્દ્રો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, મહેસાણા અને આણંદમાં શરૂ કરાશે.
ઈટીએસના ગ્લોબલ ગ્રોથ એન્ડ લેંગ્વેજીસના વાઇસ પ્રેસિડેન્ટ મોહંમદ કૌશાએ જણાવ્યું, ‘પરીક્ષાનાં સેન્ટરોમાં વધારો કરવાનો હેતુ માત્ર વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવૃત્તિને મદદરૂપ થવા નથી, પરંતુ વિદેશમાં અભ્યાસની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને સપોર્ટ આપવાનો છે, જે તેમને વિદેશમાં પહોંચાડવા માટે મદદરૂપ નીવડશે.’ મોહંમદ કૌશાના જણાવ્યા અનુસાર, ‘છેલ્લાં પાંચ વર્ષમાં વિદેશ જવા ઇચ્છુક ટોફેલ-જીઆરઈ આપવા માગતા વિદ્યાર્થીઓની સંખ્યા ભારતમાં અંદાજે 2 લાખથી 7.5 લાખ સુધી પહોંચી ગઈ છે. આગામી 26 જુલાઈથી શરૂ થતા શૈક્ષણિક વર્ષથી ટોફેલ-આઇબીટીનો સમયગાળો બે કલાકથી ઓછો થશે.

