રાહુલ ગાંધીની સજા પર સ્ટેની અરજી સુરત સેશન્સ કોર્ટે ફગાવીઃ હાઇકોર્ટમાં કરશે અપીલ

Wednesday 26th April 2023 06:33 EDT
 
 

સુરતઃ રાહુલ ગાંધીને મોદી અટકને લઈને આપેલા નિવેદન બદલ થયેલી બે વર્ષની સજા પર સ્ટે અંગે થયેલી અરજીને સુરત સેશન્સ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આ અંગે એડિશનલ સેશન્સ કોર્ટના જજે કહ્યું કે, ‘સ્ટે ઓફ કન્વિક્શનની અપીલ ડિસમિસ’, જ્યારે બચાવપક્ષના વકીલે કહ્યું હતું કે, હવે અમે હાઇકોર્ટમાં અપીલ કરીશું.
રાહુલ પાસે કયા વિકલ્પ
રાહુલ ગાંધીની અરજી પર સેશન્સ કોર્ટ દ્વારા અરજી ફગાવતાં રાહુલ ગાંધીને મોટો આંચકો લાગ્યો છે. રાહુલની સજામાફીની અરજીને માનતાં કોર્ટ જો તેની સજા માફ કરી દોષી હોવા અંગે રોક લગાવી દેત તો રાહુલ ગાંધીનું સંસદસભ્ય પદ યથાવત્ રહી શક્યું હોત. જો કે તે શક્ય ન બનતાં રાહુલ ગાંધી વિરુદ્ધના સેશન્સ કોર્ટના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવામાં આવી શકે છે. થોડા સમય પહેલાં લક્ષદ્વીપના સાંસદ મોહંમદ ફૈઝલને હત્યાના પ્રયાસના કેસનીચલી અદાલતના 10 વર્ષની સજાના નિર્ણય પર હાઇકોર્ટે રોક લગાવાઈ હતી તેને ટાંકવામાં આવી શકે.
મોદી અટક પરના કેસમાં પટના હાઇકોર્ટથી રાહુલને રાહત
પટનામાં સુશીલકુમાર મોદીએ કરેલા કેસની સુનાવણીમાં પટનાની સાંસદ – ધારાસભ્ય કોર્ટની કાર્યવાહીને રાહુલે પટના હાઇકોર્ટમાં પડકારતાં જસ્ટિસ સંદીપકુમારે રાહુલ ગાંધીને વચગાળાની રાહત આપી છે અને સાંસદ – ધારાસભ્ય કોર્ટમાં ચાલતી ન્યાયિક પ્રક્રિયા પર રોક લગાવી છે. જો કે સુરત કોર્ટથી રાહુલને કોઈ પ્રકારની રાહત નથી.


comments powered by Disqus