મુંબઈઃ શરદ પવારે 24 એપ્રિલે મહારાષ્ટ્રના ગઠબંધન મહાવિકાસ અઘાડી અંગે એવું નિવેદન આપ્યું, જેનાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. તેમના નિવેદનથી આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ગઠબંધન ગમે ત્યારે તૂટી શકે છે તેવું ફલિત થઈ રહ્યું છે.
શું બોલ્યા શરદ પવાર?
શરદ પવારે નિવેદન આપતાં જણાવ્યું કે, ‘આજે આપણે મહાવિકાસ અઘાડીની સાથે છીએ, પરંતુ 2024ની લોકસભાની ચૂંટણીમાં તેઓ સાથે રહેશે કે નહીં તેના વિશે હાલમાં કંઈ કહી શકાય તેમ નથી.’ શરદ પવારનું આ નિવેદન તેવા સમયે આવ્યું જ્યારે મહારાષ્ટ્રમાં તેમના ભત્રીજા અજિત પવારના ભાજપમાં જોડાવા અંગેની ચર્ચા ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે શરદ પવાર દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં શરદ પવારને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, 2024ની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી એકસાથે ચૂંટણી લડશે? જેનો પ્રત્યુત્તર આપતાં પવારે કહ્યું હતું તે, ‘અમે સાથે મળીને કામ કરવા માગીએ છીએ, પરંતુ રાજકારણમાં હંમેશાં એકની ઇચ્છા પૂરતી નથી હોતી. બેઠકોની ફાળવણી અને સમસ્યાઓ અંગે કોઈજાતની ચર્ચા કરાઈ નથી. હાલમાં મહાવિકાસ અઘાડીની સાથે છીએ, પરંતુ 2024ની ચૂંટણીમાં તેઓ સાથે રહેશે કે નહીં તેના વિશે હાલમાં કહી શકાય તેમ નથી.’ શરદ પવારના આ પ્રકારના નિવેદન અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નિવેદન આપતાં જણાવ્યું કે, શરદ પવારના નિવેદનમાં ઘણી ગંભીરતા છે.

