જૂનાગઢઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘એક ભારત – શ્રેષ્ઠ ભારત’ વિચારને સાર્થક કરતા ‘સૌરાષ્ટ્ર – તમિલ સંગમ’ કાર્યક્રમના એક દિવસ બાદ તામિલનાડુમાં વસતા મૂળ સૌરાષ્ટ્રના તમિલબંધુઓએ સૌરાષ્ટ્ર ભ્રમણ કર્યું હતું. જે અંતર્ગત તેઓએ સોમનાથ બાદ દ્વારકા અને ગીરમાં સિંહદર્શન કર્યાં હતાં. આ ઉપરાંત તેઓ સૌરાષ્ટ્ર, ગીરની સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વૈભવથી પરિચિત થયા હતા.
દ્વારકા ખાતે તમિલબંધુ સાથેની 8 બસનું આગમન થતાં જ દ્વારકાનું સમગ્ર પ્રાંગણ ઢોલ અને નગારાં સાથે ગુંજી ઊઠ્યું હતું. ભગવાન દ્વારકાધીશની કર્મભૂમિ પર મદુરાઈથી આવેલા તમિલ પરિવારોનું સૌરાષ્ટ્રના પરંપરાગત પરિધાન, ઢોલ, શરણાઈ, પાવો અને સુરંદો જેવાં લોકવાદ્યો તેમજ ભરત અને આભલે મઢેલી છત્રી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં તમિલબંધુઓ ગરબાના તાલે ઝૂમ્યા હતા. આ ઉપરાંત તમિલબંધુઓએ રુક્મિણી મંદિરે દર્શન કર્યાં હતાં, જ્યાં બળદગાડાંમાં બેંસાડી તેમનું સામૈયું કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર – તમિલ સંગમના બીજા દિવસે તમિલબંધુઓએ ગીરમાં પ્રકૃતિના ખોળે વિહરતા સાવજનાં દર્શન કર્યાં હતાં, તો દીપડા, હરણ, સાબર અને નીલગાયને પણ પ્રાકૃતિક વાતાવરણમાં નિહાળી હતી. આ સાથે મહેમાનો ગીરના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વૈભવની માહિતી મેળવી હતી.
તમિલબંધુ એન.એસ. કુબેન્દ્રએ પ્રતિભાવ આપતાં જણાવ્યું કે, અમારા પૂર્વજોની ભૂમિમાં આવીને અમે ખુશ છીએ. અમને ગુજરાતમાં મળેલા આવકારને શબ્દોમાં વર્ણવી શકીએ તેમ નથી. સોમનાથ મહાદેવ અને દ્વારકાધીશનાં દર્શન કરી અમે ભાવવિભોર થયા છીએ, જ્યારે એશિયાટિક સિંહ જોયા તે જીવનનો યાદગાર પ્રસંગ બની રહ્યો છે.

