ગુજરાતમાં ક્યાંક મેઘ‘મહેર’, ક્યાંક મેઘ‘કહેર’

Wednesday 26th July 2023 06:03 EDT
 
 

સૌરાષ્ટ્ર
જૂનાગઢ જિલ્લામાં ગત અઠવાડિયાના બે દિવસ ખૂબ ભારે રહ્યા. બુધવારે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાયો હતો. બુધવારે જૂનાગઢમાં સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા દરમિયાન જ 107 મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો, જેમાં પણ વેરાવળ શહેરમાં આભ ફાટ્યું હોય તેવાં દૃશ્યો સર્જાયાં હતાં. બુધવારના ભારે વરસાદ બાદ શનિવારે પણ જૂનાગઢ શહેરમાં ગણતરીના કલાકોમાં 10 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે ગિરનાર પર્વત પર બે કલાકમાં જ 16 ઇંચ વરસાદ પડ્યો હતો. બુધવારે પણ સૂત્રાપાડામાં એકસાથે 22 ઇંચ વરસાદ પડ્યો હતો. તો જૂનાગઢના માળિયાહાટીનામાં 6 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
કચ્છ
કચ્છમાં આ ચોમાસામાં થનારા કુલ વરસાદ કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં અત્યાર સુધીમાં 119.90 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુરુવારે અબડાસા, નખત્રાણા, માંડવી, ભુજ, લખપત અને રાપરમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો મુન્દ્રા, બારોઈ વિસ્તારમાં વરસાદ પડતાં મુખ્ય બજારમાં નદીઓ વહી નીકળી હતાં, તો તાલુકાના ઝરપરા, દેશલપર અને આસપાસના વિસ્તારમાં પણ મેઘમહેર થઈ હતી. નલિયામાં પણ સારો વરસાદ થતાં મીઠી સહિતના ડેમ ઓવરફ્લો થઈ ગયા હતા.
ઉત્તર ગુજરાત
બુધવારે ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. અરવલ્લીના મોડાસા, મેઘરજ અને ધનસુરામાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. ભારે વરસાદ કારણે મોડાસાનાના ચારરસ્તા, મેઘરજ રોડ, માલપુર રોડની સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાયાં હતાં. બીજી તરફ આ વરસાદથી ખેતીવાડીને પણ જીવતદાન મળ્યું છે, જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
દક્ષિણ ગુજરાત
નવસારીમાં શનિવારે સવારે 10થી 12 વાગ્યા સુધીમાં જ ધોધમાર 9 ઇંચ વરસાદ વરસ્યો હતો, જે રાત સુધીમાં 12.50 ઇંચ સુધી પહોંચી ગયો હતો. નવસારીના જલાલપોરમાં 11 ઇંચ, ખેરગામમાં 7 ઇંચ વરસાદ વરસ્યો હતો. નવસારીની આ જળબંબાકારની સ્થિતિમાં એક યુવાનનું તણાઈ જતાં મોત થયું હતું.
મધ્ય ગુજરાત
અમદાવાદમાં બુધવાર બાદ શનિવારે પણ ભારે વરસાદ પડ્યો હતો. ગણતરીના કલાકોમાં જ અમદાવાદ જિલ્લાના વિવિધ ભાગમાં 4 ઇંચથી લઈને 7 ઇંચ સુધી વરસાદ પડતાં સાર્વત્રિક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.


comments powered by Disqus