નવી દિલ્હીઃ મણિપુરમાં પુરુષોના ટોળાએ બે મહિલાઓની જાહેરમાં નગ્ન પરેડ અને તેમના પર બળાત્કારની મે મહિનાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર થયા પછી ગુરુવારે સમગ્ર દેશમાં લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. આ મુદ્દે ગુરુવારે સંસદથી સુપ્રીમ સુધી ભારે હોબાળો થયો હતો, જેને પગલે મણિપુર હિંસા મુદ્દે લગભગ બે મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સંસદ બહાર નિવેદન કરવું પડ્યું હતું. તેમણે કહ્યું, મણિપુરમાં અપમાનની ઘટનાએ દેશની 140 કરોડની જનતાને શરમજનક સ્થિતિમાં મૂકી દીધી છે.
અહીં આવી 100 ઘટના બનીઃ મુખ્યમંત્રી
મણિપુરમાં હિંસા વચ્ચે બે મહિલાઓની ગામમાં નગ્ન પરેડ કરાવવાનો વીડિયો વાઇરલ થયા પછી સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો છે. મુખ્યમંત્રી બિરેનસિંહે ગુરુવારે એક નિવેદનમાં કહ્યું હતું કે, તમને એક કેસ દેખાય છે. અહીં આવી 100 ઘટનાઓ બની છે. તેમના આ નિવેદનથી ભારે વિવાદ સર્જાયો છે.
મણિપુરમાં અનેકની હત્યા: એફઆઇઆર
મણિપુરમાં બે મહિલાઓને પરેડ અંગે એફઆઇઆર થઈ છે. એફઆઇઆરમાં આરોપ મૂકવામાં આવ્યા છે કે બંને મહિલાનું અપહરણ કરતા પહેલાં સશસ્ત્ર પુરુષોના ટોળાએ કોંગપોક્સી જિલ્લાના એક ગામે હુમલો કરીને અનેક ઘરને આગ ચાંપીને લૂંટ ચલાવી હતી. ટોળાએ અનેક પુરુષોની હત્યા કરીને મહિલાઓ પર જાતીય હુમલા કર્યા હતા.
દેશ બચાવ્યો,પત્નીને ના બચાવી શક્યો
‘મેં શ્રીલંકા અને કારગિલમાં લડાઈ લડીને દેશને બચાવ્યો હતો, પરંતુ મારા ઘરમાં હું મારી પત્નીને બચાવી શક્યો નહીં.’ આ કથન ભારતીય આર્મીના 65 વર્ષીય નિવૃત્ત સુબેદારનું છે. મહિલાઓની નગ્ન પરેડ કરાવ્યાની ઘટનામાં એક મહિલા આ આર્મી અધિકારીનાં પત્ની હતાં.
ઉગ્રવાદીઓ પાસે 3000 હથિયારો, છ લાખ ગોળી
મણિપુરમાં ત્રણ મહિના પહેલાં શરૂ થયેલી હિંસા ફરીથી માથું ઊંચકે એવી ચેતવણી અપાઈ હતી, કારણ કે સુરક્ષાદળોના શસ્ત્રાગારમાંથી જે હથિયારોની લૂંટ થઈ હતી તેમાંથી હજુય ત્રણ હજાર જેટલાં હથિયારો અને 6 લાખ ગોળીઓ ઉગ્રવાદી જૂથો પાસે છે.
કેન્દ્રીય મંત્રીના ઘર પર ફરી હુમલો
ઇમ્ફાલમાં સોમવારે કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી આર.કે. રંજનસિંહના નિવાસ બહાર રેલી હિંસક બની હતી. જેણે મંત્રીના ઘર પર પથ્થરમારો કર્યો હતો. રંજનસિંહના ઘર પર બે મહિનામાં આ બીજો હુમલો થયો છે.

