અમદાવાદઃ ગ્રાહક વિમાનની ટિકિટ 24 કલાકમાં કેન્સલ કરાવે તો એરલાઇન્સ કંપની ટિકિટનો કેન્સલેશનનો ચાર્જ લઈ શકે નહીં. ગ્રાહકને ટિકિટનું પૂરેપૂરું રિફંડ ચૂકવવા એરલાઇન્સ કંપનીની જવાબદારી છે તેવું રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચના પ્રમુખ ડો.જે.જી.મેકવાને કરેલા ચુકાદામાં ઠરાવ્યું છે. ગ્રાહક તકરાર નિવારણ પંચે ફરિયાદીને પૂરેપૂરા રિફંડના રૂ. 14,746 ઇન્ડિગો અને યાત્રા ઓનલાઇનને આદેશ કર્યો છે. ફરિયાદીને અપીલના ખર્ચ પેટે રૂ. 5 હજાર ચૂકવવાનો નિર્દેશ કર્યો છે.
સેટેલાઇટના પ્રશાંત પુરોહિતે ગ્રાહક તકરાર નિવારણ પંચમાં રજૂઆત કરી હતી કે, ફરિયાદી માર્ચ 2019 અને એપ્રિલ 2019ની અમદાવાદથી હૈદરાબાદ અને હૈદરાબાદથી કોલકાતા અને કોલકાતાથી અમદાવાદ માટેની 3 ટિકિટો યાત્રા ઓનલાઇનમાં બુક કરાવી હતી. ફરિયાદી એક ટિકિટના રૂ. 7200 લેખે કુલ રૂ. 21,600 થતા હતા. ફરિયાદીના બેન્ક ખાતામાંથી રૂ. 23,966 કપાયા હતા. ફરિયાદીને યાત્રા ઓનલાઇને કહ્યું હતું કે, તમે ટિકિટ કેન્સલ કરાવશો તો 10 ટકા રકમ કાપી બાકીનું રિફંડ તમારા ખાતામાં જમા થઈ જશે. પ્રશાંતભાઈએ કોઈ કારણોસર 2 ટિકિટ કેન્સલ કરાવી હતી, જે પેટે તેમને રૂ. 14,377 રિફંડ મળે પણ રિફંડ આપ્યું ન હતું.
એરલાઇન કેન્સલેશન ચાર્જ પણ લઈ શકે નહીં
ગ્રાહક પંચે અવલોકન કર્યું કે, ડીજીસીએના સર્ક્યુલરની જોગવાઈ જોતાં 24 કલાકમાં ટિકિટ રદ કરાવે તો કેન્સલેશનનો ચાર્જ લઈ શકે નહીં અને રિફંડ પૂરેપૂરું આપવું પડે તેવું કલમ (ઈ) માં જણાવ્યું છે, તેમજ કલમ-3(સી) મુજબ એરલાઇન્સે રિફંડ ચૂકવવું પડે. એજન્ટ એરલાઇન્સ દ્વારા નિમાયેલા હોય છે. આથી રિફંડ બાબતની જવાબદારી એરલાઇન્સની થાય.

