ભુજઃ જો સરહદ પારની ગતિવિધિ જાણવી હોય અને કચ્છના અફાટ રણમાં કોણ આવી રહ્યું છે તે જાણવું હોય તો તે 1971માં ભારત પાકિસ્તાનના ભાગલા બાદ કચ્છમાં આવેલા સોઢા પરિવારને જ પૂછીએ તો ખબર પડે. દેશ માટે દિવસ-રાત જોયા વગર તહેનાત હોય છે તેવા આ યોદ્ધાઓ કચ્છ જિલ્લાના સામાન્ય નાગરિક છે. વાત છે કચ્છના પગીઓની. કચ્છનો અફાટ રણ વિસ્તાર હોય કે નિર્જન જંગલ હોય, વ્યક્તિ ક્યાંથી આવ્વી, ક્યાં છુપાઈ છે તેને શોધવામાં કચ્છના પગીઓ મહત્ત્વની ભૂમિકા ભજવતા આવ્યા છે.
ભુજથી 35 કિલોમીટરના અંતરે આવેલા ઝુરા કેમ્પમાં મોટાભાગના સોઢા પરિવાર 1971ના યુદ્ધ પછી પાકિસ્તાનથી ભારત આવ્યા હતા. આજે આ ગામમાં પાંચ પગી એવા છે કે જેઓએ ઘૂસણખોરી કરતા પાકિસ્તાનીઓને તો શોધ્યા છે, પણ તેની સાથે વિસ્ફોટકનો જથ્થો પણ શોધવામાં મદદરૂપ બન્યા છે. સોઢા નવઘણજી મહાસિંહજીના કહેવા પ્રમાણે જ્યારે 1971 નું યુદ્ધ થયું ત્યારે સોઢા પરિવાર પાકિસ્તાનથી ભારત આવ્યો. એ સમયે કચ્છમાં મોટી સંખ્યામાં સોઢા પરિવાર વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીને મદદરૂપ બન્યા હતા. ત્યારબાદ એલ.કે. અડવાણી, અટલ બિહારી વાજપેયીએ પણ આ પગી પરિવારોની મુલાકાત લીધી હતી. આ સોઢા પરિવાર કચ્છમાં ઝુરા, વેરાર, મોટી છેર, ગોંધિયાર, ચંદ્રનગર, ઓરિરા, કુરિયાણી ગામોમાં આવીને વસ્યા હતા.
નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક દિલીપ અગ્રાવતે જણાવ્યું હતું કે, 1999માં કચ્છના ઘડુલી વિસ્તારમાં સાત પાકિસ્તાની ઇસમો પકડાયા હતા. આ શખ્સો પાસે આરડીએક્સ હતું. પોલીસે પગીઓને સાથે રાખીને ફૂટપ્રિન્ટના આધારે સ્થળ પર પહોંચીને જથ્થો કબજે કર્યો હતો.
આ પગીઓએ જ્યારે અનેક પરિશ્રમ કર્યા છે ત્યારે તેમને સરકાર દ્વારા વેતન મળે તેમજ તેમનાં સંતાનોને નોકરી અપાવવામાં સરકાર મદદરૂપ થાય તેવું ઇચ્છી રહ્યા છે. જો કે કેટલાક પગીનાં સંતાનોને નોકરી પણ મળી છે. સુરક્ષા કાજે આધુનિક સાધનો ઉપલબ્ધ બન્યાં છે, ત્યારે કચ્છ જેવા દુર્ગમ વિસ્તારમાં દેશની સુરક્ષા માટે જીવનું જોખમ ખેડીને માહિતી લાવી આપતા તમામ પગીની સેવાની કદર થવી જોઈએ તેવી લાગણી પ્રવર્તે છે.

