અમરેલીમાં 4 પુત્રોએ માતા-પિતાની યાદમાં બનાવ્યું ‘માવતર મંદિર’

Wednesday 31st May 2023 05:59 EDT
 
 

અમરેલીઃ આજના કળિયુગમાં જ્યારે માતા-પિતાને સંતાનો દ્વારા ઘરડાંઘરમાં મૂકી આવવાના અગણિત કિસ્સા આપણે જોઈએ છીએ, ત્યારે અમરેલીના ચાર પુત્રોના એક પ્રેરણાદાયક અભિગમે કળિયુગના દીકરાઓ વચ્ચે પણ શ્રવણસમાન સપૂતો હયાત હોવાનું સાબિત કર્યું છે. લોકો દેવી-દેવતા માટે મોટી રકમનું દાન કરતા જ હોય છે, પરંતુ આ ચારેય સપૂતોએ પોતાનાં સદ્ગત માતા-પિતાની યાદમાં ‘માવતર મંદિર’ બનાવી ‘ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં...’ ઉક્તિને સાર્થક કરી છે.
અમરેલીના જેસિંગપરા વિસ્તારમાં રહેતા બજાણિયા પરિવારના ચાર દીકરાઓ અને તેમના પરિવારે રૂ. 10 લાખનો ખર્ચ કરી જાજરમાન ‘માવતર મંદિર’ બનાવ્યું છે. જ્યાં આવતી 6 જૂનથી 8 જૂન સુધી ત્રણ દિવસ તેમનાં માતા-પિતાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમની તડામાર તૈયારી ચાલી રહી છે અને મહેમાનોને આણંત્રણ માટે કંકોત્રીનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
મંદિર બનાવવામાં રૂ. 10 લાખનો ખર્ચ થયો
અમરેલીમાં વર્ષોથી સ્થાયી થયેલા સ્વ. મોહનભાઈ અને સ્વ. મોંઘીબહેનના ચાર દીકરા શ્યામભાઈ, શંકરભાઈ, વિજયભાઈ અને કાળુભાઈ. આ ચારેય દીકરાઓએ મા-બાપની ખૂબ સેવા કરી હતી, પરંતુ કાળક્રમે તેમનો સ્વર્ગવાસ થયો. તેમના બે દીકરા વિજયભાઈ અને કાળુભાઈ પણ આજે હયાત નથી, પરંતુ શ્યામભાઈ અને શંકરભાઈએ પોતાનાં માતા-પિતાને જ ભગવાનનો દરજ્જો આપ્યો અને તેનું ભવ્ય મંદિર પણ બનાવી દીધું. શ્યામભાઈ અને શંકરભાઈ દ્વારા બનાવવામાં આવેલા આ ભવ્ય મંદિરમાં આશરે દસેક લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.
માતા-પિતાની મૂર્તિ રાજસ્થાનમાં બનાવડાવી
માતા-પિતા મોહનભાઈ અને મોંઘીબહેનની આરસની મૂર્તિ ખાસ રાજસ્થાનમાં બનાવવામાં આવી છે. આગામી 6 જૂનથી 8 જૂન દરમિયાન તેમનાં માતા-પિતાની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાશે. જેમનું આ મંદિર બનાવવામાં આવ્યું છે એ મોહનભાઈ અને મોંઘીબહેન ભલે વિચરતી જાતિના સમાજમાંથી આવતાં હોય, પરંતુ તેઓ અમરેલી સાથે એટલા હળીમળી ગયાં કે મોહનભાઈ અમરેલી નગરપાલિકાના સદસ્ય તરીકે 3 ટર્મ સુધી રહ્યા હતા. તો એક ટર્મ માટે મોંઘીબહેન પણ સદસ્ય રહી ચૂક્યાં છે. આજે આ મંદિરનું નિર્માણ જોઈને અહીંના અન્ય વૃદ્ધો પણ ગદ્ગદ્ થઈ જાય છે.


comments powered by Disqus