ગુજરાતના 30થી વધુ તાલુકામાં 2 ઈંચ સુધી વરસાદઃ 3નાં મોત

Wednesday 31st May 2023 05:59 EDT
 
 

અમદાવાદઃ ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેની પાસેના વિસ્તારમાં સર્જાયેલી સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, ઉત્તરી મધ્યપ્રદેશમાં સર્જાયેલા ટ્રફ જ્યારે પાકિસ્તાન નજીક સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. સતત બીજા દિવસે ગુજરાતમાં વરસાદ વરસતાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ થઈ ગયો હતો, જેમાં રાજ્યના 20થી વધુ તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી ગુજરાતમાં 3 વ્યક્તિનાં મોત થયાં છે.
28 મેએ દિવસ દરમિયાન કચ્છના અંજારમાં પોણા બે ઇંચ, ભાવનગરના પાલિતાણા-સિહોર, રાજકોટના ગોંડલ- ધોરાજીમાં 1 ઈંચ, જામકંડોરણા- કોટડા સાંગાણી, ભાવનગરના ગારિયાધાર, કચ્છના ગાંધીધામ, બનાસકાંઠાના સુઇગામમાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભાવનગરના ઉમરાળા- વલ્લભીપુર-જેસર, રાજકોટના ધોરાજી, પંચમહાલના જાંબુઘોડા-મોરવા હડફ, અમરેલીના વડિયા-અમરેલી, બાબરા, પંચમહાલના ગોધરામાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. અંજારમાં બપોરે બેથી ચાર દરમિયાન જ દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આજે દિવસ દરમિયાન આકરા તાપ બાદ સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાતાં રાજકોટમાં અનેક સ્થળે છાપરાં ઊડ્યાં હતાં.


comments powered by Disqus