જાન્યુઆરી-’24માં 10મી વાઈબ્રન્ટ સમિટ યોજાશે, તૈયારીઓ શરૂઃ CM ભૂપેન્દ્ર પટેલ

Wednesday 31st May 2023 06:00 EDT
 
 

ગાંધીનગરઃ નવી દિલ્હી ખાતે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની આઠમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાતના આર્થિક, સામાજિક વિકાસનો રોડમેપ રજૂ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાન્યુઆરી 2024માં 10મી વાઇબ્રન્ટ સમિટ યોજવાનું આ જાહેર કર્યું હતું. જેના માટે તેમણે તૈયારીઓ ચાલી રહી હોવાનું પણ જણાવ્યું હતું. નીતિ આયોગની આઠમી ગવર્નિંગ કાઉન્સિલમાં વર્ષ 2047 સુધીમાં ભારતને પાંચ ટ્રિલિયન અમેરિકી ડોલરની ઈકોનોમી બનાવવા માટે દેશનાં તમામ રાજ્યો પાસેથી સૂચનો અને ભવિષ્યનાં આયોજનોની રૂપરેખા મગાવાઈ હતી. જેમાં ગુજરાતની ભૂમિકા મહત્ત્વની બની રહેશે.
મુખ્યમંત્રીએ બેઠકમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઈકોનોમિક એક્વિટીઝ આધારિત શહેરોના વિકાસ પર ફોકસ કરવા ગિફ્ટ સિટી, ધોલેરા અને ડ્રીમ સિટી જેવા ગ્રીન ફિલ્ડ આધારિત ઈકોનોમિક સિટીનો વિકાસ થઈ રહ્યો છે. મજબૂત અર્થવ્યવસ્થામાં MSMEનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે. ગુજરાતમાં 12 લાખ જેટલા MSME ઉદ્યોગ પોર્ટલ પર નોંધાયેલા છે. જેમના થકી અંદાજે રૂ. 63 હજાર કરોડથી વધુનાં રોકાણો આવ્યાં છે અને 75 લાખથી વધુને રોજગારી મળી રહી છે.


comments powered by Disqus