નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આ મહિને નવ વર્ષ પૂર્ણ કરી રહી છે. મોદી સરકારનાં નવ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભાજપે દેશભરમાં વિશેષ સંપર્ક અભિયાન શરૂ કર્યું છે. આ જનસંપર્ક અભિયાનનું સૂત્ર ‘નવ સાલ... બેમિસાલ’ રાખવામાં આવ્યું છે. પીએમ મોદીએ 30 મેએ વિશાળ રેલી સાથે ભાજપના મહાજનસંપર્ક અભિયાનની શરૂઆત કરાવી હતી. 31 મેએ પણ પીએમ મોદીની વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું. મોદી સરકારનાં નવ વર્ષ પૂર્ણ થવા પર દરેક લોકસભા મતવિસ્તારમાં વિશેષ સંપર્ક અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાન 30 મેથી 30 જૂન સુધી ચાલશે.
2014માં સત્તાના કેન્દ્રમાં સ્થાપિત થયેલી મોદી સરકારે તેના કાર્યકાળમાં અનેક મહત્ત્વના અને મોટા નિર્ણય લીધા છે. સામાન્ય જનતાને લાભ કરાવતી યોજનાઓથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા રોકાણ સહિતના નિર્ણયોએ મોદી સરકારની સ્વીકાર્યતામાં વધારો કર્યો છે. આ 9 વર્ષમાં ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂકી છે.
વરિષ્ઠ નેતાઓની 51 રેલી કરશે
તમામ જિલ્લા મથકોથી બૂથ પર વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં મોદી સરકારની નીતિઓ અને સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવામાં આવશે. દેશભરમાં ભાજપના વરિષ્ઠ નેતાઓની 51 રેલી થશે. 396 લોકસભા બેઠક પર જાહેર ભાઓ યોજાશે, જેમાં કેન્દ્રીય પ્રધાન અથવા પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારી ઉપસ્થિત રહેશે, જેઓ આ રેલી અને જાહેર સભામાં ભાગ લેશે. દેશભરના એક લાખ વિશેષ પરિવારો સાથે સંપર્ક કરવામાં આવશે. આમ દરેક લોકસભામાં 250 પરિવારોનો સંપર્ક કરવામાં આવશે. આ અભિયાનમાં રાજ્યની પ્રભાવશાળી વ્યક્તિઓ, જેમ કે રમતવીર, કલાકાર, ઉદ્યોગપતિ, શહીદ અને અન્ય જાણીતા પરિવારો સાથે સંપર્ક કરવામાં આવશે.
10 લાખ બૂથ પર કાર્યકરો સાથે પ્રધાનમંત્રી કરશે ચર્ચા
પ્રધાનમંત્રી મોદી 23 જૂને વીડિયો કોન્ફરન્સ દ્વારા શ્યામાપ્રસાદ મુખરજીની પુણ્યતિથિએ 10 લાખ બૂથ પર પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરશે. 20થી 30 જૂન દરમિયાન ડોર ટુ ડોર સંપર્ક અભિયાન ચલાવવામાં આવશે. નવ વર્ષની સિદ્ધિ લોકો સાથે શેર કરવામાં આવશે અને પ્રચાર સામગ્રીનું વિતરણ કરવામાં આવશે.
9 વર્ષમાં જનતાને લાભ કરાવતી 9 મોટી યોજના
1. ગામડાં અને શહેરોમાં 12 કરોડ શૌચાલય
2. જનધન યોજના હેઠળ 48.93 કરોડ બેન્ક ખાતાં
3. મુદ્રા યોજના દ્વારા ગેરંટી વિના 40.82 કરોડ લોકોને સસ્તી લોન
4. પીએમ આવાસ યોજના હેઠળ 4.45 કરોડ ઘર બનાવાયાં
5. ઉજ્જ્વલા યોજના હેઠળ 9.59 કરોડ ઘરમાં એલપીજી કનેક્શન
6. જનઆરોગ્ય યોજના હેઠળ 4.44 કરોડ લોકોનો ઇલાજ
7. કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ 12 કરોડ ખેડૂતને દરવર્ષે 6 હજારની સહાય
8. હરઘર જલ યોજના હેઠળ 11.66 કરોડ પરિવારને પીવાનું શુદ્ધ પાણી
9. 220.67 કરોડ કોરોના વેક્સિન લગાવાઈ
9 વર્ષમાં 9 મોટા નિર્ણય
1. 2014માં સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત
2. 2015માં પીએમ આવાસ યોજનામાં ગતિ લાવવા નિર્ણય
3. 2016માં નોટબંધીનો નિર્ણય
4. 2017માં અર્થવ્યવસ્થાને ગતિ આપવા જીએસટી લાગુ કરાયો, બુલેટ ટ્રેનનો પાયો નાખ્યો
5. 2018માં આયુષ્માન ભારત હેઠળ નિઃશુલ્ક સ્વાસ્થ્ય સુવિધા આપવા નિર્ણય
6. 2019માં જમ્મુ-કાશ્મીરમાં 370ને હટાવવા નિર્ણય
7. 2020માં રામમંદિર નિર્માણને લઈ ટ્રસ્ટનું ગઠન કરાયું
8. 2021માં કોરોનાથી બચાવને લઈ સ્વદેશી વેક્સિનના ડોઝ અપાયા
9. 2022માં ડિજિટલ ઇન્ડિયા હેઠળ 5જી સેવાની શરૂઆત

