રાજકોટમાં રૂ. 200 કરોડના ખર્ચે ઊભો થશે વૈભવી વૃદ્ધાશ્રમ

Wednesday 31st May 2023 05:58 EDT
 
 

રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 8 વર્ષથી સદ્ભાવના વૃદ્ધાશ્રમ ચલાવવામાં આવે છે, જેમાં નાતજાત કે ધર્મના ભેદભાવ વિના વૃદ્ધોની વિનામૂલ્યે સેવા કરવામાં આવે છે. સંસ્થા દ્વારા હવે 30 એકર જમીન પર રૂ. 200 કરોડના ખર્ચે 700 રૂમનું નિર્માણ કરી લક્ઝુરિયસ વૃદ્ધાશ્રમ બનાવવામાં આવશે, જેમાં 2100 વડીલને આશરો આપવામાં આવશે. વૃદ્ધોની જરૂરિયાતને ધ્યાને રાખી અહીં દરેક માળે અગાસી હશે. 28 મેએ રવિવારે આ વૈભવી અને સુવિધાયુક્ત વૃદ્ધાશ્રમનું મોરારિબાપુના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સંતો-મહંતો અને દેશભરના 10 હજાર જેટલા શ્રેષ્ઠીઓએ હાજરી આપી હતી.
વડીલોની સારવાર વિનામૂલ્યે કરાશે
હાલ સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં 500 જેટલા વડીલો રહે છે, જેમાંથી 180 વડીલ પથારીવશ છે. સદ્ભાવના વૃદ્ધાશ્રમના સંચાલક વિજય ડોબરિયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં સદ્ભાવના વૃદ્ધાશ્રમ કદાચ દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ બનશે. બિલ્ડિંગના કુલ 7 ટાવરમાં 700 રૂમ બનાવવામાં આવશે, જેમાં 2100 વડીલોને આશરો મળવાની સાથે સાથે તેમની સારવાર પણ વિનામૂલ્યે કરવામાં આવશે. જો કે આશ્રમમાં એવા જ વડીલોને આશરો અપાશે, જેઓ નિરાધાર છે અને કોઈ સંતાન નથી.
કેર ટેકરની ટીમ 24 કલાક હાજર રહેશે
આ વૃદ્ધાશ્રમમાં દરેક માળે અગાશી હશે, જેમાં વડીલો વોકિંગ કરી શકશે. પથારીવશ વડીલોની કેર કરવા માટે કેર ટેકરની ટીમ 24 કલાક 365 દિવસ ફરજમાં રહેશે. નવનિર્મિત ભવનમાં દરેક જગ્યાએ, દરેક માળે વડીલો વ્હીલચેરમાં જઈ શકે એવી સુવિધા હશે. બિલ્ડિંગના દરેક ટાવરમાં 100 રૂમ બનાવાશે. દરેક રૂમમાં હવા-ઊજાશ, ગ્રીનરી જળવાઈ રહે એનો પૂરતો ખ્યાલ રાખવામાં આવશે.
જૈનસમાજના લોકો માટે અલગ ટાવર
જૈન સમાજના વડીલો માટે આખો ટાવર જ અલગ બનશે. વડીલોને જૈન ભોજન મળી રહે, તેમને કોઈ મુશ્કેલી ન પડે એ માટે કુલ 7 ટાવરમાંથી એક ટાવર માત્ર જૈનસમાજ માટે રાખવામાં આવશે.
બળદો માટે પણ આશ્રમ શરૂ કર્યો છે
આ અભિયાન પાછળ અંદાજિત 52 કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. સંસ્થાના દ્વારા તરછોડાયેલી સ્થિતિમાં મળેલા ગૌવંશના અબોલ જીવને બચાવવાની ખેવના સાકાર થઈ રહી છે. સંસ્થામાં અત્યારે 700 જેટલા બળદ સંસ્થાના આશ્રિત છે, જ્યારે સંસ્થાનું લક્ષ્ય 10,000 બળદને આશરો આપવાનું છે.

રાજકોટમાં વૃદ્વાશ્રમ માટે ચાર કલાકમાં 60 કરોડ દાન મળ્યું
સમગ્ર દેશના નિઃસંતાન, નિરાધાર, લાચાર, બીમાર અને એકાકી જીવન જીવતા વડીલો માટે રાજકોટમાં સદ્ભાવના વૃદ્ધાશ્રમ બનાવાઈ રહ્યો છ, જેનું રવિવારે મોરારિબાપુએ ભૂમિપૂજન કર્યું હતું. ભૂમિપૂજન સમયે માત્ર 4 કલાકમાં જ રૂ. 60 કરોડથી વધુનું દાન જાહેર કરાયું હતું. કેટલાક દાતાઓએ રૂ. કરોડ કે તેથી વધુનું ગુપ્તદાન આપ્યું હતું. આ વૃદ્ધાશ્રમ 30 એકરમાં બનશે, જેમાં કુલ 7 ટાવર હશે અને એક ટાવરમાં 300 રૂમ હશે. જૈન સમાજ માટે આખો એક અલગ ટાવર ઊભો કરાયો છે. દરેક માળે અગાસી હશે અને વડીલો વોકિંગ કરી શકે તેવી સુવિધા હશે. એક-એક રૂમમાં કેરટેકર 24 કલાક સેવા આપશે. ઉપરાંત કેટલાક દાતાઓએ વડીલોને દત્તક લેવાની પણ જાહેરાત કરી હતી. આમ અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે વડીલો દત્તક લેવાયા હોય.


comments powered by Disqus