શંખલપુરના યુવાને માતાની યાદમાં રૂ. 25 લાખનું પ્રવેશદ્વાર બંધાવ્યું

Wednesday 31st May 2023 06:34 EDT
 
 

બહુચરાજીઃ બહુચર માતાજીની તપોભૂમિ એવા બહુચરાજી તાલુકાના શંખલપુર ગામના યુવા અગ્રણી બાબુભાઈ રબારીએ તેમનાં માતૃશ્રી સ્વ. લાડચીબાના સ્મરણાર્થે રૂ. 25 લાખના માતબર ખર્ચે “લાડચીબા પ્રવેશદ્વાર’નું ગામના પાદરે નિર્માણ કરાવ્યું છે, જેનું લોકાર્પણ મહેસાણાનાં સાંસદ શારદાબહેન પટેલના હસ્તે કરાયું હતું.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ, ધારાસભ્ય સુખાજી ઠાકોર, બહુચરાજી એપીએમસી ચેરમેન વિજય પટેલ, ચવેલી અખાડાના મહંત બળદેવદાસજી મહારાજ, દેત્રોજ ગોગાધામના મહંત લખીરામજી મહારાજ, ભુવાજી ઉમેદપુરાના નારણભાઈ દેસાઈ અને સદાતપુરાના ઈશ્વરભાઈ દેસાઈએ આશીર્વચન પાઠવ્યાં હતાં. મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે, કોઈપણ ગામની ઓળખ તેનું પ્રવેશદ્વાર હોય છે. ગુજરાતના મોડેલ વિલેજમાં જેની ગણના થાય છે તેવા શંખલપુરમાં પોતાનાં માતૃશ્રીના નામે બાબુભાઈ દેસાઈ અને પૌત્ર પ્રતીકભાઈ દેસાઈએ કલાત્મક પ્રવેશદ્વાર બંધાવી ગામની શોભામાં વધારો કરાવ્યો છે. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હાર્દિક પટેલ, ડેલિગેટ મયુર પટેલ, ટોડા ટ્રસ્ટના હોદ્દેદારો, શંખલપુર ગ્રામવિકાસ સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા. આ પ્રસંગે યોજાયેલા લિમ્બચ માતાજીના યજ્ઞનાં દર્શનનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો.
મા-બાપને લીધે નાનપણથી પરોપકારની ભાવના
પ્રવેશદ્વારના દાતા બાબુભાઈ દેસાઈએ જણાવ્યું કે, મારા બા લાડચીબા અને પિતા કરસનભાઈ સેંધીદાસ મૂળ ગોપાલક હતાં. એટલે તેમનામાં રહેલી જીવદયા અને પરોપકારની ભાવનાનાં દર્શન અમે નાના હતા ત્યારથી કરતા આવ્યા છીએ. બા હંમેશાં કહેતાં હતાં કે, ગામનું ભલું થાય તેવું કરવું. તેમના આ શબ્દો આજે મને એટલા જ યાદ છે. એટલે જ અમે ગામની શોભારૂપ પ્રવેશદ્વાર બનાવવાનું નક્કી કર્યું હતું.


comments powered by Disqus