વડોદરાઃ ‘દીકરી વહાલનો દરિયો’ આ કહેવત પિતા અને પુત્રીના સંબંધો વર્ણવે છે. પુત્રવધૂ માટે પણ દીકરીસમાન વહાલ રાખતા દાહોદના એક સામાન્ય પરિવારના સસરાનો પ્રેમ જોઈને તબીબો પણ અચંબિત થયા હતા. જેમાં 30 વર્ષીય પુત્રવધૂની બંને કિડની ફેલ થતાં સસરાએ પોતાની કિડની આપીને તેને નવજીવન આપ્યું હતું.
દાહોદના ભંભોરી ગામે રહેતાં 30 વર્ષીય સોનલબેન આડીને બે સંતાન છે. 2021માં તેમની કિડનીની બીમારી અંગે સારવાર શરૂ થઈ હતી. 8 મહિના પહેલાં તેમની કિડની બદલવી પડશે તેમ તબીબોએ નિદાન કર્યું હતું.
આ સમયે સસરા પ્રવીણભાઈએ પોતાની જ કિડની આપવા નક્કી કર્યું હતું. અંતે 15 એપ્રિલે વડોદરાની ઝાયડસ હોસ્પિટલ ખાતે કિડનીનું પ્રત્યારોપણ કરાયું હતું.
અલ્કેશભાઈના પરિવારને મોંઘી સારવાર માટે તેમના સમાજના લોકોએ આર્થિક સહયોગ આપવાની સાથે હિંમત પૂરી પાડી હતી. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનારા ડો. હિતેશ ઠુમ્મરે કહ્યું કે, સસરા દ્વારા કિડની મળી હોય તેવી સદભાગી પુત્રવધૂના કિસ્સા જવલ્લે બને છે. ડો. મનીષ ડાભી અને ડો. અમિત ચઢાએ વધુ સારવાર અને કેટલાક વધુ ટેસ્ટ કરી આ પ્રત્યારોપણને સફળ બનાવ્યું હતું.

