સુરતમાં વિસ્તરણ કરાયેલા નવા એરપોર્ટ ટર્મિનલને ખુલ્લું મૂકવાનું કાઉન્ટ ડાઉન શરૂ

Wednesday 31st May 2023 06:33 EDT
 
 

સુરતઃ સુરત એરપોર્ટના વિસ્તરણ કરાયેલા નવા ટર્મિનલનું લોકાર્પણ કરવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ઘણા લાંબા સમયથી ચાલતા ટર્મિનલ વિસ્તરણના કામના છેલ્લા તબક્કામાં નવા ટર્મિનલનું એલિવેશન ખુલ્લું થયું છે. રૂ. 354 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ આગામી જુલાઈ મહિનામાં વડાપ્રધાનના હસ્તે થઈ શકે છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જાન્યુઆરી 2019માં વડાપ્રધાનના હસ્તે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગના વિસ્તરણના કામનું ખાતમુહૂર્ત કરાવ્યું હતું. રૂ.354 કરોડના ખર્ચે બની રહેલા નવા ટર્મિનલનું કામ 95 ટકા પૂરુ થઈ ચૂક્યું છે. હવે ઇન્ટિરિયર, લેન્ડસ્કેપિંગ, નેટવર્કિંગ અને ટેક્સી વેના કામને આખરીઓપ આપવાનું કામ ચાલી રહ્યું છે. આગામી જુલાઈ મહિનામાં નવું ટર્મિનલ ખુલ્લું મૂકવામાં આવે તેવો ઇશારો એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોએ કર્યો છે.
ટર્મિનલ બિલ્ડિંગ એક્સપાન્શનનો પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી સુરત એરપોર્ટનું વિસ્તૃત ટર્મિનલ બિલ્ડિંગ પિકઅવર્સ દરમિયાન 1,200 ડોમેસ્ટિક અને 600 ઇન્ટરનેશનલ મુસાફરોની અવર જવર માટે સક્ષમ બનશે.


comments powered by Disqus