સૌરાષ્ટ્ર-કચ્છનાં 17 હજાર ટ્રસ્ટમાં 2 હજારની નોટમાં દાન કરવાનું પ્રમાણ 10 ગણું વધ્યું

Wednesday 31st May 2023 05:59 EDT
 
 

રાજકોટઃ નોટબંધી-2 માં ટેક્સચોરી છુપાઈ જાય અને રિટર્ન ભરવાથી પણ બચી શકાય તે માટે ટ્રસ્ટમાં પણ હવે 2 હજારની નોટનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. રાજકોટ, ગીરસોમનાથ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ખંભાળિયા અને કચ્છ જિલ્લામાં કુલ 17 હજાર ટ્રસ્ટ નોંધાયાં છે. શનિવારથી આ ટ્રસ્ટમાં 2 હજારની નોટમાં દાન વધુ આવી રહ્યું છે અને તેનું પ્રમાણ અંદાજિત 10 ગણું હોવાનું સંચાલકો જણાવે છે.
સંચાલકોના જણાવ્યા અનુસાર શનિવારથી જે દાન આવે છે તે મોટાભાગે 2 હજારની જ નોટમાં આવે છે તેમ માનવ કલ્યાણ મંડળના ચેરમેન મૂકેશભાઈ મેરજા જણાવે છે. આ પ્રમાણ વધ્યું હોવાનું કારણ આપતાં રાજકોટ ગ્રેટર ચેમ્બરના પ્રમુખ અને સી.એ. રાજીવ દોશી જણાવે છે કે, આવું કરવાથી 2 હજારની નોટનો ખુલાસો પણ કરવો નથી પડતો અને સાથે દાન પણ નોંધાવી શકાય છે. તે બેન્કમાં સ્વીકારાય છે ત્યાં સુધી ચિંતા નથી. જો કેવાયસી માગે ત્યારે આ પ્રમાણ વધી શકે તેમ છે. આ ઉપરાંત ટેક્સચોરી સાબિત ન થાય તે માટે એક જ વ્યક્તિના નામની પહોંચ ફાડવાને બદલે અલગ-અલગ વ્યક્તિના નામે પહોંચ ફાડવામાં આવે છે.

અમદાવાદમાં 2000ની નોટ બદલવા માટે પણ કાળાબજાર
અમદાવાદઃ આરબીઆઇએ રૂ. 2000ની ચલણી નોટ પાછી ખેંચી લેવાની જાહેરાત થતાની સાથે જ કાળું નાણું ધોળું કરવા માટે દોડાદોડી શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં આરબીઆઇના મુખ્ય મથકની બહાર લોકો બે હજારની નોટ બદલવા માટે ઊમટી રહ્યા છે, ત્યારે એજન્ટો ખુલ્લેઆમ કમિશન લઈને નોટોની અદલાબદલી કરી રહ્યા છે. એજન્ટોના માણસો 4થી 5 ટકા કમિશન લઈને નોટો બદલી આપે છે.
રૂ. 80 લાખની નોટ બદલવા રૂ. 3.20 લાખ કમિશન
દલાલો અંદાજિત રૂ. 70થી 80 લાખની બે હજારની નોટ માણસો પાસે બદલાવી રહ્યા છે. દલાલો રૂ. 80 લાખ બદલવાના 4 ટકા કમિશન પેટે રૂ. 3.20 લાખ મેળવે છે. મોટી રકમ બદલવાના 4 ટકા અને નાની રકમ બદલવાના 5 ટકા લઈ રહ્યા છે. આટલી જંગી માત્રામાં નોટ બદલવામાં આવી રહી હોવાથી અનેક બેન્કો પાસે રૂ. 500ના દરની નોટો ખૂટવા લાગી છે.


comments powered by Disqus