નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચેના ગાઢ સંબંધોની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. આ દરમિયાન હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન ફરી એકવાર ભારતની મુલાકાત લઈ શકે છે. બાઇડેનને જી-20 સમિટ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી ગણતંત્ર દિવસની ઉજવણી પરેડમાં પણ મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું છે. જો કે બાઇડેન દ્વારા હજુ સુધી કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો નથી.
આ સંદર્ભે ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટ્ટીએ કહ્યું કે, નવી દિલ્હીમાં જી-20 સમિટના એક દિવસ પહેલાં આયોજિત દ્વિપક્ષીય બેઠક દરમિયાન આ આમંત્રણ અપાયું હતું. ગારસેટ્ટીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીનું આમંત્રણ બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો દર્શાવે છે. તેઓ આગામી વર્ષોમાં વધુ મજબૂત સંબંધોને ઉત્તેજન આપવા આતુર છે.
મહત્ત્વનું છે કે, અગાઉના અહેવાલોમાં કહેવાયું હતું કે, ભારત ગણતંત્ર દિવસની ઉજવણી માટે તમામ ક્વોડ નેતાઓને આમંત્રિત કરવાનું છે. ભારત ક્વોડ સમિટ 2024 ફ્રન્ટ પર એક મોટું વ્યૂહાત્મક પગલું ભરવાની તૈયારી કરે છે. ક્વોડ નેતાઓનાં નામમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાનો સમાવેશ થાય છે.

