મહિસાગરઃ લુણાવાડામાં વિવિધ જગ્યાએ વિઘ્નહર્તા ગણેશજીની સ્થાપના કરાઈ છે, ત્યારે લુણાવાડામાં ફરી સ્વામિનારાયણને લઈ વિવાદ વકરે તેવી સ્થિતિ ઊભી થવા પામી છે. લુણાવાડા છપય્યા ધામ બહાર ગણેશ મહોત્સવ દરમિયાન સહજાનંદ સ્વામી મહારાજ અને ગણપતિનું વિવાદિત પોસ્ટર લગાવેલું હતું, જેમાં ભગવાન ગણેશજીને સ્વામિનારાયણ કરતાં નાના બતાવાયા છે, તેમજ ગણેશજીને ભગવાન સ્વામિનારાયણનાં ખોળામાં બેસાડી નાના બતાવાતાં વિવાદ ઊભો થયો છે. જે અંગેના સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થયા બાદ તેઓ દ્વારા વિવાદિત પોસ્ટર તેમજ ગણપતિની મૂર્તિ પાછળનું સહજાનંદ સ્વામી મહારાજનું સ્ટેચ્યૂ હટાવી લીધું હતું, જેથી વિવાદ વધે નહીં.

