જૂનાગઢઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં રહેલા મુદ્દા પર મોટો નિર્ણય લઈને સાળંગપુર મંદિરના વહીવટી તંત્ર દ્વારા વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવાયાં હતાં, પરંતુ સાધુ-સતો હજુ પણ નમતું ન મૂકીને લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. જૂનાગઢના ભવનાથસ્થિત ગોરખનાથ આશ્રમમાં સાધુ-સંતોનું સંત સંમેલન યોજાયું છે. આ સંમેલનમાં ગુજરાતભરના અનેક નામી-અનામી સાધુ-સંતો હાજર રહ્યા હતા. જેમાં સંરક્ષણ સમિતિ સહિત વિવિધ સમિતિની રચના કરાઈ છે. સૌએ એક સ્વરમાં કહ્યું કે, હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન ચલાવી લેવામાં નહીં આવે.
સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિની રચના કરાઈ છે, જેના અધ્યક્ષ ચાપરડા બ્રહ્માનંદ ધામના મહંત મુક્તાનંદ બાપુને બનાવાયા છે. જ્યારે દ્વારકાના જગતગુરુ શંકરાચાર્ય સનાતન ધર્મ સમિતિના અધ્યક્ષ બન્યા છે, જેઓ તમામ સમિતિના અધ્યક્ષ રહેશે.
આદિત્યનાથ જેવા નિર્ણય લેવાશે
સંત સંમેલનમાં ચૈતન્યશંભુ મહારાજે કહ્યું કે, ભારતમાં સનાતન ધર્મને ગાળો દેવાની ફેશન ચાલે છે. સનાતન એટલે હિન્દુ, એની બીજી કોઈ વ્યાખ્યા નથી. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા નિર્ણયો ગૌરખનાથ આશ્રમમાં પણ લેવાશે.
આ સમિતિઓની રચના
• સનાતન ધર્મ સંરક્ષણ મુખ્ય સમિતિ: 41 સંતો
• શાસ્ત્ર સત્ય સંશોધન સમિતિ: 15 સંતો
• કાયદાકીય સલાહકાર સમિતિ: 8 સભ્યો
• મીડિયા પ્રવક્તા સમિતિઃ 10 સંતો
• યવસ્થા-આમંત્રણ સમિતિ: 10 સંતો
• નાણાકીય સમિતિ : રજિસ્ટ્રેશન બાદ નક્કી થશે

