નર્મદા નદી પરના 52મા બ્રિજનું લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી
વડોદરા જિલ્લાને બે જિલ્લા, ભરૂચ અને નર્મદા સાથે ટૂંકા અંતરથી જોડતા ડભોઇ શિનોર, માલસર, અશા રોડ પર નર્મદા નદી પર રૂ. 225 કરોડના ખર્ચથી નિર્માણ પામેલા પુલનું 27 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન લોકાર્પણ થશે. આ બ્રિજ બનતાં વડોદરાથી નેત્રંગ ઉપરાંત ડેડિયાપાડ, મહારાષ્ટ્ર જવા માટે 20 કિ.મી.નું અંતર ઓછું થઈ ગયું છે. આ બ્રિજના નિર્માણ પાછળ રૂ. 225 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં 12 હજાર ટન લોખંડ, 20 હજાર ટન સિમેન્ટના ઉપયોગથી 16 પિલ્લર ઊભા કરવામાં આવ્યા છે. આ બ્રિજ 1312 કિ.મી. લાંબી નર્મદા નદી પરનો 56મો બ્રિજ છે.
પ્રધાનમંત્રી મોદી છાબ તળાવનું લોકાર્પણ કરશે
દાહોદ શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક સિદ્ધરાજ જ્યસિંહ છાબ તળાવની સ્માર્ટ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 117.30 કરોડના ખર્ચે કાયાપલટ કરવામાં આવી છે. અદ્યતન સુવિધા અને સૌંદર્યકરણથી પરિપૂર્ણ થતાં 27 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છોટાઉદેપુરના બોડેલીમાં વનમહોત્સવ તેમજ એજ્યુકેશનના વિવિધ કાર્યક્રમો દરમિયાન વર્ચ્યુલી લોકાર્પણ કરી દાહોદવાસીઓને સમર્પિત કરશે. દાહોદની ધરોહાર સમાન આ તળાવ ઇ.સ. 1149માં બનાવાયું હતું. સોલંકી શાસનકાળમાં રાજા સિદ્ધરાજ સેના સાથે માલવા પર ચડાઈ કરવા જતા હતા ત્યારે અહીં રોકાણ કર્યું હતું. દરમિયાન દરેક સૈનિકે માત્ર એક છાબડી ભરીને માટી બહાર કાઢતાં 120 એકરમાં પથરાયેલું તળાવ અસ્તિત્વમાં આવ્યું હતું.

