અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 સપ્ટેમ્બરથી બે દિવસ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા, જ્યાં અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અમદાવાદ પહોંચતાં જ તેઓ નારીશક્તિ વંદના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. એરપોર્ટ ખાતે પ્રધાનમંત્રી મોદીએ 20 હજાર જેટલી મહિલાઓને સંબોધન કર્યું. ઉલ્લેખનીય છે કે લોકસભા અને વિધાનસભામાં 33 ટકા મહિલા અનામત જાહેર કર્યા પછી તેઓ પહેલીવાર ગુજરાત આવ્યા છે. ત્યારે મહિલા અનામત અંગે બિલ પસાર થતાં મહિલાઓ પીએમનું અભિવાદન કરવા એરપોર્ટ પહોંચી હતી. પીએમ મોદીએ એરપોર્ટ પર સભાસ્થળ સુધી ખુલ્લી જીપમાં મહિલા કાર્યકરોનું અભિવાદન ઝીલ્યું હતું. સ્ટેજ પર મહિલાઓ સાથે પીએમ મોદી, પાટીલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, અમદાવાદના મેયર અને મહિલા ધારાસભ્યો દ્વારા સ્વાગત કરાયું હતું.
કાર્યક્રમમાં મહિલાઓને સંબોધતાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ‘આ બિલ બહેનો અને માતાઓ માટે મારી એક ભેટ છે. રક્ષાબંધન નિમિત્તે તમારી રાખડીઓ મને મળી હતી, જેના રિવાજરૂપે મેં નારીશક્તિ વંદન અધિનિયમ 2023ના રૂપમાં ભેટ આપી છે.’ પ્રધાનમંત્રીએ કહ્યું કે ટૂંક સમયમાં નારીશક્તિની તાકાત દેશના તંત્ર પર જોવા મળશે. મહિલા અનામતના કારણે ટૂંક સમયમાં જ દેશની મહિલાઓ વિધાનસભા અને લોકસભામાં જોવા મળશે.
મહિલા નેતૃત્વની શરૂઆત ગુજરાતથી જ!
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, અમે મહિલા નેતૃત્વની શરૂઆત પણ ગુજરાતથી જ કરી હતી. મહિલા નેતૃત્વ હેઠળની ગુજરાતની પાણી વ્યવસ્થા સમિતિને આંતરરાષ્ટીય એવોર્ડ પણ મળ્યો હતો. ગુજરાતને આ બાબતે બે મોટા એવોર્ડ પણ મળ્યા હતા, જે પરથી શીખીને દેશમાં જલજીવન મિશન શરૂ કર્યું હતું. પ્રધાનમંત્રી જણાવ્યું કે, છેલ્લાં નવ વર્ષમાં નાગરિકોને જન્મથી લઈ વૃદ્ધાવસ્થા દરમિયાન ઉપયોગી થઈ શકે તેવાં કામ કર્યાં છે.
વાઈબ્રન્ટ સમિટની 20 વર્ષની ઉજવણી
ઉલ્લેખનીય છે કે, 27 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે અમદાવાદના સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની 20 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં પીએમ મોદી હાજરી આપશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી અત્યાર સુધીની વાઇબ્રન્ટ ગુજરાત સમિટની એડિશનમાં કામ કરી ચૂકેલા અધિકારીઓને સન્માનિત કરશે. આ કાર્યક્રમમાં ઉદ્યોગકારો, શિક્ષણવિદો, કલાકારો, સાહિત્યકારો તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ વખતે જાન્યુઆરી 2024 યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ‘ગેટવે ટુ ફ્યુચર’ થીમ આધારિત રહેશે. તે પૂર્વે પીએમ મોદી ભૂતકાળની તમામ સમિટની ફળશ્રુતિની ચર્ચા કરશે.
વિકાસકાર્યોની ભેટ
અમદાવાદના કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી મોદી 27 સપ્ટેમ્બરે બોડેલી જવા રવાના થશે, જ્યાં તેઓ બોડેલી અને વડોદરા ખાતેના રૂ. 5206 કરોડનાં વિકાસકામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. બોડેલીમાં પ્રધાનમંત્રી મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત નવા વર્ગખંડ, સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યૂટર લેબ જેવી સુવિધાની ભેટ આપશે. તો 7500 ગામમાં 20 લાખ લાભાર્થી માટે વાઇફાઇ સુવિધાનું લોકાર્પણ કરશે. 27 સપ્ટેમ્બરે વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં નારીવંદના કાર્યક્રમ યોજાશે, જેમાં અંદાજે એક લાખ મહિલાઓ ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીનું અભિવાદન કરશે.
રૂ. 4505 કરોડના શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપશે
પ્રધાનમંત્રી મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂ. 4,505 કરોડનાં વિવિધ શૈક્ષણિક વિકાસ કાર્યોની ભેટ આપશે. આ ઉપરાંત પીએમ મોદી માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.
ડેરીક્ષેત્રમાં 35 લાખથી વધુ મહિલાઓ
પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું, બહેન, દીકરીઓ તમે જાણો છો કે આઝાદી પછી નારીશક્તિ સાથે ન્યાય નથી થયો. કોઈનો એક હાથ કે પગ બાંધો તો તમે એનાથી શું આશા રાખી શકો. દેશ આ રીતે વિકાસ ના કરી શકે. મહિલા અધિકારોની વાત પર રાજકીય બહાનાં બનાવવામાં આવતાં હતાં, ગુજરાતમાં અમે મહિલાઓ માટે અનેક અભિયાન ચલાવ્યાં.
ગુજરાતમાં અમે જેન્ડર બજેટનો પ્રયોગ કરતાં મહિલાઓ માટે રોજગારી વધી, મહિલાઓ માટે સરકારી યોજના બનાવી, મહિલાઓ માટે મહિલા વિકાસ કલ્યાણ વિભાગની રચના કરી, ડેરીક્ષેત્રમાં 35 લાખથી વધુ મહિલાઓ છે. આજે લાખો મહિલાઓ વન વિકાસમાં યોગદાન આપી રહી છે. ગુજરાતમાં 2.5 લાખથી વધુ સખી મંડળ કાર્યરત છે. ગર્ભવતી માતાઓને પોષણ મળે એ માટે કામ કર્યું છે.

