પાકિસ્તાન આતંકની ફેક્ટરીઃ ગેરકાયદે કબજા હેઠળના વિસ્તારો ખાલી કરેઃ ભારત

Wednesday 27th September 2023 07:47 EDT
 
 

નવી દિલ્હીઃ પાકિસ્તાનના કેરટેકર પ્રધાનમંત્રી અનવર-ઉલ-હક કાકરે યુએન જનરલ એસેમ્બ્લીમાં ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. આના પર ભારતીય પ્રતિનિધિ પેટલ ગેહલોતે પીઓકેનું નામ લીધા વિના કહ્યું, ‘સૌથી પહેલાં તો પાકિસ્તાને એ વિસ્તારો ખાલી કરવા જોઈએ, જેના પર તેણે ગેરકાયદે કબજો કર્યો છે, તેમજ 26/11ના મુંબઈ હુમલાના ગુનેગારો સામે કાર્યવાહી કરવી જોઈએ.
પેટલે કહ્યું, ‘પાકિસ્તાને પણ આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ અને સરહદ પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરવું જોઈએ. પાકિસ્તાનમાં લઘુમતીઓના માનવાધિકારનું ઉલ્લંઘન બંધ થવું જોઈએ. પાકિસ્તાન વિશ્વમાં સૌથી ખરાબ માનવાધિકારનો રેકોર્ડ ધરાવતો દેશ છે.
પાકિસ્તાનને જવાબ આપતાં યુએનજીએમાં ભારતના પ્રતિનિધિ પેટલ ગેહલોતે કહ્યું, પાકિસ્તાનને યુએનજીએના પ્લેટફોર્મનો દુરુપયોગ કરવાની આદત પડી ગઈ છે. તે સતત એનો ઉપયોગ ભારત વિશે વાહિયાત અને ખોટો પ્રચાર ફેલાવવા કરે છે. પોતાના દેશના મુદ્દાઓને લઈને ભારતે પાકિસ્તાનને વારંવાર કહ્યું છે કે, તેઓ પહેલાં તેમના દેશમાં આતંકવાદને ખતમ કરે.
શાંતિપૂર્ણ સંબંધોની ઇચ્છાઃ પાકિસ્તાન
યુએનજીએના પાકિસ્તાને ફરી કાશ્મીરનો ઉલ્લેખ કર્યો. કાકરે કહ્યું કે, અમે અમારા બધા પડોશીઓ સાથે શાંતિપૂર્ણ સંબંધો ઇચ્છીએ છીએ. કાશ્મીર ભારત સાથે સારા સંબંધોની ચાવી છે અને વિકાસ માટે શાંતિ જરૂરી છે. યુએનની દેખરેખમાં જનમત સંગ્રહ કરીને અંતિમ નિર્ણય લેવાનો છે.


comments powered by Disqus