પાટણઃ ડેર ગામમાં અંદાજે 50 વીઘા જમીનમાં બીજા ખોડલધામ મંદિર નિર્માણનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે મંદિરના નિર્માણ માટે આગામી 22 ઓક્ટોબરે મુખ્યમંત્રી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે. ખોડલધામનો રથ પાટણ આવી પહોંચતાં પાટણ શહેરના બગવાડા ખાતે રવિવારે રાત્રે રથમાં માતાજીની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સૌરાષ્ટ્રમાં કાગવડ ગામે આવેલ ખોડલધામ મંદિર સમગ્ર પાટીદાર સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે હવે સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં પાટીદારો દ્વારા મંદિર સાથે કૃષિ, શિક્ષણ અને આરોગ્યનાં કેન્દ્ર ઊભાં કરી સેવા અને શ્રદ્ધાના સમન્વય સાથે પાટણના સંડેર ગામમાં અંદાજે 50 વીઘા જમીનમાં બીજા ખોડલધામ મંદિરના નિર્માણનું આયોજન કરાયું છે. રવિવારે રાત્રે ધારાસભ્ય કિરીટ પટેલની ઉપસ્થિતિમાં આરતીનું આયોજન કરાયું હતું, જ્યાં પાટીદાર સમાજના લોકોએ માતાજીની આરતીનો લહાવો લીધો હતો. આ રથ હવે ગામડાંઓમાં આમંત્રણ આપવા માટે પરિભ્રમણ કરશે. રથનું ઠેરઠેર સામૈયું, સ્વાગત અને સન્માન થશે. આમ એક મહિના સુધી ખોડલધામનો આ રથ અંદાજે 250 જેટલાં ગામમાં ફરશે.

