પાલનપુરઃ લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારોમાં પણ મહેનત કરતી દેખાઈ રહી છે. પાલનપુરમાં કોંગ્રેસની હાથ સે હાથ જોડો યાત્રા યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર સહિત ધારાસભ્યો હાજર રહ્યા હતા. પાલનપુર હાઇવે ગઠામણ પાટિયાથી કોંગ્રેસી કાર્યકરોની બાઇક રેલી યોજી કાનુજી મહેતા હોલ ખાતે કોંગ્રેસ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. બાઇક રેલી પાલનપુરના કોજી વિસ્તારમાં પહોંચતાં પાલિકા વિપક્ષ નેતા અંકિતા ઠાકોરે રેલીનું સ્વાગત કર્યું હતું.
જિલ્લા પંચાયત અને લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દરેક જિલ્લામાં કાર્યક્રમ આપી રહી છે, જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં પાલનપુરમાં હાથ સે હાથ જોડો યાત્રાનું આયોજન કરાયું હતું. કોંગ્રેસના કાર્યકરો દ્વારા બાઇક રેલી થકી કોંગ્રેસ દ્વારા શક્તિપ્રદર્શન પણ કરાયું હતું.
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસનું નેતૃત્વ આવી રહ્યું છે. જિલ્લાના લોકોના પ્રશ્નોને વાચા આપીશું. અહીંના લોકોની ફરિયાદો અને સમસ્યા ભ્રષ્ટાચાર છે. પદયાત્રા કરીને કલેક્ટર કચેરી પહોંચી લોકોને ન્યાય મળે હક અધિકારી મળે એની લડાઈ લડીશું.

