ભરૂચઃ નર્મદા નદીમાં આવેલા ભયાવહ પૂરમાં ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લામાં ખેતી તબાહ થઈ ચૂકી છે, ત્યારે શનિવારે રાજ્ય સરકારે નુકસાન વેઠનારા ખેડૂતો માટે હેક્ટરદીઠ રૂ. 25 હજારની સહાય જાહેર કરી, જે વધુમાં વધુ 2 હેક્ટર સુધી અપાશે. ભરૂચમાં શાકભાજી, કપાસ, કેળાં સહિતના પાકને પૂરના કારણે વ્યાપક નુકસાન થયું છે. નર્મદાના ભયાવહ પૂરમાં અંકલેશ્વરના 12 કિ.મી. કાંઠાની 150 એકર જમીન નદીમાં ગરક થઈ ગઈ છે. નદીના ધસમસતા પાણી 80થી 100 ફૂટ અંદર સુધી આવી જતાં બોરભાઠા ગામ ખાતે 15 ફૂટ ઊંડી ખાડીનું નિર્માણ થયું છે.

