મહાદેવ સટ્ટા એપ દ્વારા જામનગરના યોગેશ પોપટને રૂ. 112 કરોડ ચૂકવાયા

Wednesday 27th September 2023 06:32 EDT
 
 

અમદાવાદઃ તાજેતરમાં ઓનલાઇન સટ્ટો રમાડતી મહાદેવ સટ્ટા એપ વિરુદ્ધ ઈડીએ મોટી કાર્યવાહી કરી હતી. આ એપના પ્રમોટર સૌરભે આ વર્ષે ફેબ્રુઆરીમાં યુએઈના રાસ અલ-ખૈમાહ ખાતે પોતાના લગ્નમાં રૂ. 200 કરોડનો ધુમાડો કર્યો હતો. તેણે નાગપુરથી તેના પરિવારજનો, નજીકનાં સગાંને પ્રાઇવેટ જેટ ભાડે કરીને યુએઈ તેડાવ્યા હતા.
આ લગ્નના આયોજન માટેની કંપની જામનગરની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની આર-1 ઇવેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ હતી. આ કંપનીના ડાયરેક્ટર યોગેશ પોપટને ચંદ્રાકરે રૂ. 112 કરોડ ચૂકવ્યા હોવાનું તપાસમાં ખૂલ્યું છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ જપ્ત કરાયેલા ડિજિટલ પુરાવા મુજબ યોગેશ પોપટની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની આર-1 ઇવેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને હવાલા દ્વારા રૂ. 112 કરોડ પહોંચાડવામાં આવ્યા હતા, તેમજ રૂ. 42 કરોડ હોટેલ બુકિંગ પેટે રોકડમાં ચુકવાયા હતા તેમ ઈડીએ જણાવ્યું છે. આર-1 ઇવેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ આરઓસી અમદાવાદ ખાતે 17 ઓગસ્ટ, 2009ના રોજ નોંધાયેલી છે. કંપનીનું સરનામું બ્લોક નં. 101, મોદી હાઉસ, મોદી શોપ ઇન્ડસ્ટ્રીઝની ઉપર, પંચેશ્વર ટાવર નજીક, જામનગર દર્શાવાયું છે. કંપનીના ડાયરેક્ટર તરીકે યોગેશ મનસુખલાલ પોપટ અને રીના યોગેશ પોપટને બતાવાયાં છે.
લોરેન્સે ખંડણી માગી તો ચંદ્રાકરે દાઉદનો હવાલો આપ્યો
પોલીસને સૌરભ ચંદ્રાકર ડી-ગેંગના રક્ષણ હેઠળ હોવાની શંકા દર્શાવતો અંગ્રેજી અખબારમાં દાવો થયો છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ચંદ્રાકરે દુબઈમાં લકઝુરી પાર્ટીમાં કરોડોનો ખર્ચ કર્યો હતો, જેમાં બોલિવૂડની સેલિબ્રિટીઓને પણ બોલાવાઈ હતી. આ પાર્ટી પછી ગેંગસ્ટર પ્રવૃત્તિ ચલાવતા લોરેન્સ બિશ્નોઈએ ચંદ્રાકરને ફોન કરી ખંડણી માગી હતી. જો કે ચંદ્રાકરે તેને દાઉદ સાથે સંબંધ હોવાનો હવાલો આપી ખંડણી ચૂકવવાની ના પાડી હોવાનો દાવો કરાયો છે.


comments powered by Disqus