મહેસાણાઃ ઉત્તર ગુજરાતના સૌથી ઝડપી વિકાસ પામી રહેલા મિલ્ક સિટી અને ઓઇલ સિટીના નામે જાણીતા મહેસાણા નગરની સ્થાપના વિક્રમ સંવત 1414ના ભાદરવા સુદ દસમના રોજ મેસાજી ચાવડાએ કરી હતી. શહેરની મધ્યમાં આવેલું ઐતિહાસિક તોરણવાળી માતાનું મંદિર તેનું સાક્ષી છે. આ મંદિરમાં મેસાજીએ સાત નાળિયેરનું તોરણ બાંધી શહેરની સ્થાપના કરી હતી. મહેસાણા નગરે સોમવારે તેનો 666મો હેપ્પી બર્થ ડે ઊજવ્યો. આ નિમિત્તે માતાજીના મંદિરે યજ્ઞ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
1902થી ગાયકવાડ સરકારના વહીવટમાં આવેલું મહેસાણા 1947માં દેશ આઝાદ થયા બાદ 1949માં મુંબઈ રાજ્યનો હિસ્સો બન્યું. 1 મે 1960ના રોજ મુંબઈ રાજ્યનું વિભાજન થતાં ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું, તેમાં મહેસાણા જિલ્લો બન્યો. પોતાની બોલી અને કામથી અલગ તરી આવતા નગરની વિકાસયાત્રા અને નગરજનોની ખાસિયતની જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ મુલવણી કરીએ તો મહેસાણાની સ્થાપના સમયે સૂર્ય સિંહ રાશિમાં, ચંદ્ર ધન રાશિમાં, મંગળ મેષ રાશિમાં, બુધ કન્યા રાશિમાં, ગુરુ મીન રાશિમાં, શુક્ર કર્ક રાશિમાં, શનિ કર્ક રાશિમાં, રાહુ મકર રાશિમાં અને કેતુ કર્ક રાશિમાં હતો. હાલના ગોચરના ગ્રહોના સંકેત જોઈએ તો કુંભ રાશિના શનિ અને મેષ રાશિના ગુરુ આગામી સમયમાં નગરની વિકાસયાત્રાને ગતિવાન કરી મહાનગર તરફ લઈ જશે.

