રાજ્યસભામાં સર્વસંમતિથી મહિલા અનામત બિલ પસારઃ 27 વર્ષની આતુરતાનો અંત

Wednesday 27th September 2023 07:35 EDT
 
 

નવી દિલ્હીઃ સંસદના વિશેષ સત્રના ચોથા દિવસે રાજ્યસભામાં મહિલા અનામત બિલ એક દિવસની લાંબી ચર્ચાને અંતે સર્વસંમતિથી પસાર થઈ ગયું છે. આ બિલને ટેકો આપતા 454 સાંસદોએ મત આપ્યા હતા. જ્યારે બે મત તેના વિરુદ્ધમાં પડ્યા હતા. લોકસભામાં બે તૃતિયાંશ મતથી બિલ પાસ થયું હતું. આખરે 27 વર્ષમાં 4 સરકારના 11 પ્રયાસોના અંતે મહિલાઓને લોકસભા અને વિધાનસભાઓમાં 33 ટકા અનામતનો માર્ગ મોકળો થયો છે.
સંસદના બંને ગૃહમાં મહિલા અનામત બિલ પાસ થઈ ગયા પછી હવે તેને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર માટે મોકલાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની સ્વીકૃતિ પછી આ મહિલા અનામત બિલ કાયદો બની જશે. 33 ટકા અનામત લાગુ થતાં હાલમાં લોકસભાની 543 બેઠકોમાંથી 181 બેઠકો મહિલાઓ માટે અનામત થશે. જોકે, વસતી ગણતરી અને નવા સીમાંકન પછી આ બેઠકોની સંખ્યા વધવાની સંભાવના છે. વધુમાં આ અનામત 15 વર્ષ સુધી રહેશે. ત્યાર પછી સંસદ ઈચ્છે તો તેનો સમયગાળો લંબાવી શકાશે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આપણે બિલ પર સાર્થક ચર્ચા કરી છે. ભવિષ્યમાં આ ચર્ચાનો દરેક શબ્દ કામ લાગશે. દરેક શબ્દનું મૂલ્ય છે. નારી શક્તિનું વિશેષ સન્માન માત્ર કાયદાથી જ નથી મળતું. આ કાયદા પ્રત્યે બધા જ રાજકીય પક્ષોનો સકારાત્મક વિચાર દેશની નારી શક્તિને નવી ઊર્જા આપશે.
ભાજપ પ્રમુખ જયપ્રકાશ નડ્ડાએ કહ્યું કે, આ બિલ મહિલાઓ પર અહેસાન નથી, પરંતુ તેમનું વંદન અને અભિનંદન છે. આ બિલ આજે પસાર થઈ જશે તો 2029 સુધીમાં 33 ટકા મહિલાઓ સાંસદ બનીને આવી જશે. ભાજપનો આશય માત્ર રાજકીય ફાયદો લેવાનો નથી.
સંસદમાં મહિલાઓને અનામતની દરખાસ્ત ત્રણ દાયકાથી અટકેલી હતી. પહેલી વખત વર્ષ 1974માં મહિલાઓની સ્થિતિનું આંકલન કરનારી સમિતિએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યાર પછી વર્ષ 2010માં મનમોહન સરકારે રાજ્યસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામત બિલ બહુમતથી પસાર કરાવી લીધું હતું. પરંતુ ત્યારે સપા અને રાજદે બિલનો વિરોધ કર્યો હતો.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ મહિલા અનામત વર્ષ 2029ની લોકસભા ચૂંટણીથી અમલમાં આવે તેવી શક્યતા છે. લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને અનામત આપતા પહેલાં લાંબી બંધારણીય પ્રક્રિયા કરવી પડશે. બિલને 50 ટકા રાજ્ય વિધાનસભાઓની મંજૂરીની જરૂર નથી. એટલે કે સંસદમાં પસાર થતાં
અને રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં તે કાયદો બની જશે.


comments powered by Disqus