લંડનથી અમદાવાદ ફ્લાઈટમાં ખામીઃ 237 મુસાફર 20 કલાકે પહોંચ્યા

Wednesday 27th September 2023 06:25 EDT
 
 

અમદાવાદઃ એર ઇન્ડિયાની લંડનના ગેટવિકથી અમદાવાદ આવતી ફ્લાઇટના એન્જિનમાં ખામી સર્જાતાં 237 પેસેન્જરો રઝળી પડ્યા હતા. ભારે હોબાળા પછી કેટલાક જેમ તેમ કરી કનેક્ટિંગ ફ્લાઇટમાં અમદાવાદ પહોંચ્યા હતા. આ જ ફ્લાઇટ અમદાવાદથી દિલ્હી માટે સોમવારે ટેકઓફ થવાની હોવાથી તેના પણ 200 પેસેન્જર એરપોર્ટ પર અટવાયા હતા. તમામને અન્ય ફ્લાઇટમાં મોકલવા પડ્યા હતા. કેટલાક પેસેન્જરે ટિકિટ રદ કરાવી હતી.
એર ઇન્ડિયાની રવિવારે રાત્રે 8 વાગ્યે લંડનથી અમદાવાદ આવતી ફ્લાઇટના ટેકઓફ સમયે એન્જિનમાં ખામી પકડાતાં તેને ગ્રાઉન્ડ કરવી પડી હતી. લંડનનું ગેટવિક એરપોર્ટ શહેરથી 37 કિ.મી. દૂર છે અને એરપોર્ટ પહોંચવામાં પેસેન્જરોને ટેક્સી ભાડું પણ ઊંચું ચૂકવવું પડે છે. આમ એરલાઇને તમામ પેસેન્જરને લંડનથી કનેક્ટિંગ વાયા મુંબઈ કે દિલ્હીની ફ્લાઇટનો વિકલ્પ આપ્યો હતો. લંડનથી અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટમાં 9 કલાક થાય છે, પરંતુ જુદીજુદી કનેક્ટિંગ ફ્લાઇટોમાં આવતા પેસેન્જરો 20થી 25 કલાકે અમદાવાદ પહોંચ્યા હતા. આમ પેસેન્જરોએ ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.


comments powered by Disqus