વિદેશ જવાના મોહમાં ખેરાલુનો ખેડૂત છેતરાયો

Wednesday 27th September 2023 07:10 EDT
 
 

મહેસાણાઃ વીતેલા સમયમાં અમેરિકા જવાના મોહમાં કેટલાય લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ થવા મામલે અને ભોગ બનનારા લોકો દ્વારા અઢળક પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પણ હજુ કેટલાક લોકો ગેરકાયદે અમેરિકા જવાનો મોહ છોડતા ન હોવાનું જોવા મળી રહ્યું છે. ખેરાલુ તાલુકાના અમરપુરા ચાડા ખાતે રહેતા ખેતી કરતા યુવક સાથે અમેરિકા મોકલી આપવા મામલે કબૂતરબાજોએ રૂ. 5 લાખની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
ખેરાલુના અમરપરા ચાડા ખાતે રહેતા ધો. 12 પાસ અને 37 વર્ષની ઉંમરના પિયૂષભાઈ ચૌધરી ખેતીકામ અને પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગોરીસણા ગામે સોના-ચાંદીનો વેપાર કરતા સોની ભાવેશ હસમુખભાઈ નામના વેપારી પિયૂષ ચૌધરીના વિશ્વાસના ગાઢ સંબંધ બંધાયા હતા.
ભાવેશ સોનીએ પિયૂષ ચૌધરીને વિદેશ જવા રૂ. 50 લાખ થશે તેમ જણાવી રૂ. 10 લાખ એડવાન્સની માગણી કરી હતી, જ્યારે બાકીના રૂ. 40 લાખ અમેરિકા ગયા પછી આપવા જણાવ્યું હતું.
મનીષે તાત્કાલિક પાસપોર્ટ કઢાવી આપ્યો
સમગ્ર કેસમાં અમેરિકા જવાની ડીલ નક્કી કર્યા બાદ ફરિયાદીએ મનીષ સોનીને પોતાના ડોક્યુમેન્ટ આપ્યા હતા. બાદમાં ફરિયાદીએ અલગ અલગ સમય દરમિયાન મનીષના કહ્યા પ્રમાણે રૂ. 5 લાખ મોકલ્યા હતા અને પાસપોર્ટ માટે ફરિયાદીને અમદાવાદ બોલાવી ત્રણ દિવસમાં તાત્કાલિક પાસપોર્ટ મળી જશે તેવું કહેતાં ફરિયાદીને વિશ્વાસ બેઠો હતો. જો કે બાદમાં પિયૂષને પોતાની સાથે છેતરપિંડી થઈ રહી હોવાનું જણાતાં તેણે ફરિયાદ નોંધાવી હતી.


comments powered by Disqus