શરદ પવારની ગૌતમ અદાણી સાથે બંધબારણે બેઠક

Wednesday 27th September 2023 06:30 EDT
 
 

વારાણસીઃ એનસીપીના સુપ્રીમો શરદ પવાર શનિવારે અમદાવાદ આવ્યા ત્યારે તેમણે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે તેમના ઘરે બેસીને અડધો કલાક સુધી બંધબારણે ચર્ચા કરી હતી. પવાર તેમનાં પત્ની સાથે એક્ઝિમ્પાવર ઇનોવેશન કંપનીના એક પ્લાન્ટના ઉદ્ઘાટન અર્થે અમદાવાદ આવ્યા હતા. અમદાવાદથી બાવળા વચ્ચે આવેલા ચાચરાવાડી વાસણા ગામે આ કંપનીના પ્લાન્ટના ઉદઘાટન વખતે પવારે અને અદાણીએ એક સાથે રિબિટન કાપી હતી અને તે પછી સતત તેઓ સાથે જ રહ્યા હતા.
બપોરના સમયે અદાણીના ઘરે શરદ પવારે બંધબારણે જે ચર્ચા કરી તેને લઇને કોઇ વિશેષ માહિતી પ્રાપ્ત થઇ શકી ન હતી, કારણ કે આ દરમિયાન પવારે પોતાના તમામ સાથીઓને દૂર જ રાખ્યા હતા. આ પહેલા પણ અદાણી અને પવાર ત્રણ વાર મુંબઇમાં મળી ચૂક્યા છે. જો કે પવાર અને અદાણી વચ્ચે કોઇ મહત્ત્વની બાબતને લઇને સતત આ મુલાકાતો થઇ રહી છે. આ અગાઉ હિન્ડેનબર્ગ રિપોર્ટ મામલે શરદ પવારે ગૌતમ અદાણીને પોતાનો ટેકો જાહેર કરતા હોય તેવા નિવેદન આપ્યા છે. મહારાષ્ટ્રના રાજકારણ અને અર્થકારણને લઇને આ મુલાકાતોને મહત્ત્વની ગણી શકાય. બંને વચ્ચે 6 માસમાં આ ત્રીજી મુલાકાત હતી.


comments powered by Disqus